Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

બાડમેરમાં મૂક-બધિર દલિત યુવતી પર સામૂહિક દુષ્કર્મ

બાડમેર જિલ્લાનો ગંભીર મામલો સામે આવ્યો : બદમાશોએ યુવતીને બોલેરો કારમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ કર્યું, લોહીલુહાણ બાળકીની સારવાર જારી

બાડમેર, તા.૨૫ : બાડમેર જિલ્લામાં એક મૂક-બધિર દલિત યુવતી પર ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. બદમાશોએ યુવતીને બોલેરો કારમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકીને લઈને સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પીડિતાના પિતાએ ધોરીમાન્ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે, તેમની મૂક-બધિર પુત્રી સાંજે એમઆરટી રોડ પાસેના તેમના ખેતરમાં બકરા ચરાવી રહી હતી. આ દરમિયાન બોલેરો કારમાં સવાર બદમાશોએ બાળકીને ગળું દબાવીને નજીકના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વિસ્તારમાં લઈ ગયા અને ત્યાં બદમાશોએ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો. બાળકી બેહોશ થઈ જતાં બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે પીડિતા ઘરે ન પહોંચી તો સંબંધીઓએ તેની શોધખોળ શરૃ કરી. પરિજનોને વનવિભાગના વિસ્તારમાં બાળકી લોહીલુહાણ અને બેભાન અવસ્થામાં મળી હતી. જે બાદ પરિવારે તેને ધોરીમન્નાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવી હતી.  જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

મામલાની ગંભીરતા જોઈને બાડમેરના પોલીસ અધિક્ષક દીપક ભાર્ગવ મોડી રાત્રે ધોરીમન્ના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરી અને ધોરીમન્ના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા બાદ પીડિતાની તબિયતની પૂછપરછ કરી અને પરિવારજનોને મળ્યા હતા.

દીપક ભાર્ગવે આશ્વાસન આપતા કહ્યું હતું કે, ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ પછી પોલીસ અધિક્ષક દીપક ભાર્ગવ પોલીસ અધિકારીઓની એક ટીમ સાથે રાત્રે જ ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસ અધિક્ષક દીપક ભાર્ગવે જણાવ્યું કે, પીડિતાનું બોર્ડ મેડિકલ કરાવશે. આ સાથે ડોગ સ્કવોડની ટીમ સહિત પોલીસ નિષ્ણાત ટેકનિકલ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. પોલીસની વિશેષ ટીમો અજાણ્યા બદમાશોને શોધવા માટે કામે લાગી છે.

(7:23 pm IST)