Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ઓસ્ટ્રેલિયામાં યુવતીની હત્યા કેસમાં ફરાર આરોપી ઝડપાયો

આરોપી પર એક મિલિયન ડોલરનું ઈનામ જાહેર થયું હતું : હત્યા થયાના બે દિવસ બાદ જ આરોપી ભારત આવ્યો હતો અને ત્યારથી તેની શોધખોળ ચાલી રહી હતી

નવી દિલ્હી, તા.૨૫ : ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયામાં ૨૪ વર્ષની યુવતીની હત્યા કરીને ફરાર થયેલા આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, એક મહિના પહેલા તેના પર ૧ મિલિયન ડોલર એટલે કે લગભગ ૮ કરોડ રૃપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. હત્યાના બે દિવસ બાદ જ આરોપી ભારત આવ્યો હતો. ત્યારથી તેની શોધખોળ ચાલી રહી હતી.

ટોયાહ ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ તેના કૂતરા સાથે બીચ પર ફરવા ગઈ હતી. આરોપ છે કે, આ દરમિયાન તેના પર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. જ્યારે તોયા ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૃ કરી હતી. બીજા દિવસે તોયાહનો મૃતદેહ બીચ પરથી મળી આવ્યો હતો.

ઓક્ટોબર ૨૦૧૮માં નોર્થ ક્વીન્સલેન્ડના વાંગેટી બીચ પર ટોયાહ કોર્ડિંગલે મૃત હાલતમાં મળી આવી હતી. હત્યાનો આરોપી રાજવિંદર સિંહ (૩૮) બે દિવસ પછી જ ભારત ભાગી ગયો હતો. ઓસ્ટ્રેલિયાથી ફરાર થયાના ચાર વર્ષ બાદ પોલીસે શુક્રવારે પુષ્ટિ કરી કે, રાજવિંદર સિંહની ધરપકડ કરવામાં આવી છે. ગયા વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રત્યાર્પણની અપીલ કરવામાં આવી હતી. ભારત સરકારે ગયા મહિને તેનો સ્વીકાર કર્યો હતો.

ગયા મહિને રાજવિંદર પર ૧ મિલિયન ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ક્વીન્સલેન્ડના ઈતિહાસમાં આ ઇનામ સૌથી વધુ હતું. પોલીસને આશા હતી કે, રાજવિંદર સિંહની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જો કે સામાન્ય રીતે ગુનેગારની ધરપકડ કરવા માટે જ ઈનામ જાહેર કરવામાં આવે છે, પરંતુ પોલીસે આરોપી રાજવિંદરની ધરપકડ કરવા પર ઈનામ રાખ્યું હતું.

આરોપી અમૃતસરના બટર કાલા ગામનો રહેવાસી હતો. તે તેની પત્ની, ત્રણ બાળકો અને નોકરી છોડીને હત્યાના બે દિવસ બાદ ભારત આવ્યો હતો. પોલીસે રાજવિંદર સિંહનો ફોટો જાહેર કર્યો હતો, પરંતુ તે પહેલા તે ભારત આવી ગયો હતો. તે પંજાબના અમૃતસરમાં પોતાના ગામ પહોંચ્યો હતો. જોકે, રાજવિંદર સિંહના પરિવારે આરોપોને ફગાવી દીધા હતા. તેણે દાવો કર્યો કે તે મારી શકતો નથી. એટલું જ નહીં, પરિવારે કહ્યું કે, હત્યાના બે દિવસ પછી રાજવિંદર સિંહ ઘરે આવવું એ પણ માત્ર એક સંયોગ હતો.

(7:22 pm IST)