Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોદી ચૂંટાયેલી સરકારમાં સૌથી લાંબો સમય સેવા આપનાર નેતામાંના એક

ભારતનું સમગ્ર રાજકારણ નરેન્દ્ર મોદી ફરતે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી ૭,૭૧૦ દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકેનું પદ સંભાળ્યું છે

નવી દિલ્હી, તા.૨૫ : આજના સમયમાં ભારતનું સમગ્ર રાજકારણ નરેન્દ્ર મોદીની આસપાસ ફરતું જોવા મળી રહ્યું છે. જોકે સમયની સાથે સાથે રાજનીતિ પણ બદલાતી રહે છે, જોકે હાલ ભારતની રાજનીતિમાં નરેન્દ્ર મોદીનો સમય ચાલી રહ્યો છે. ૨૧ વર્ષ પહેલા ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ વર્ષે ૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ બંધારણી હોદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨૧ વર્ષ પૂરા થઈ ગયા છે.

નરેન્દ્ર મોદીએ ૧૨ વર્ષથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. મોદી ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી પણ છે. તેમનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ૪ ટર્મનો હતો. જોકે વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. તો બીજી તરફ જો નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના તમામ કાર્યકાળને જોડવામાં આવે, તો મોદી ભારતમાં ચૂંટાયેલી સરકારના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા નેતાઓમાંથી એક છે. વડાપ્રધાન મોદીએ અત્યાર સુધી ૭,૭૧૦ દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકેનું પદ સંભાળ્યું છે અને તેમનો પીએમપદનો કાર્યકાળ પૂરો થવામાં હજુ સમય બાકી છે. મુખ્યમંત્રી અને વડાપ્રદાન તમામ કાર્યકાળમાં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૪,૬૧૦ દિવસ અને વડાપ્રધાન તરીકે ૩,૧૦૦ દિવસ સંભાળ્યું.

નરેન્દ્ર મોદી ૩૧૦૦ દિવસથી વડાપ્રધાન પદે સેવા આપી રહ્યા છે, જોકે તેમના કરતા આ પદ પર સૌથી વધુ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને મનમોહનસિંહ રહેલા છે. વડાપ્રધાનના હોદ્દા પર જવાહલાલ નેહરુનો કાર્યકાળ સૌથી વધુ ૬૧૩૦, ઈન્દિરા ગાંધીનો કાર્યકાળ ૫૮૨૯ અને મનમોહનસિંહનો કાર્યકાળ ૩૬૫૬ દિવસનો છે. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીના વર્તમાન કાર્યકાળ ૨૯ મે-૨૦૨૪ના રોજ સમાપ્ત થશે, જોકે ત્યાં સુધીમાં સૌથી વધુ વડાપ્રધાન પદ પર રહેવાના મામલે પૂર્વ પીએમમનમોહનસિંહને પાછળ છોડી દેશે. તો નેહરુ અને ઈન્દિરા ગાંધીથી આગળ નિકળવા માટે પીએમમોદીએ વર્ષ ૨૦૩૧ સુધી સત્તામાં રહેવું પડશે.

જોકે ઈન્દિરા ગાંધી અને મનમોહનસિંહની તુલનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી કોઈ ચૂંટણી હાર્યા નથી. આ મામલે તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની બરાબરમાં છે, કારણ કે નેહરુ પણ ક્યારે ચૂંટણી હાર્યા ન હતા. ૧૯૭૭માં ઈન્દિરા ગાંધી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. જ્યારે મનમોહનસિંહ ૧૯૯૯માં દક્ષિણ દિલ્હીમાંથી લોકસભા ચૂંટણી હાર્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તમામ વિધાનસભાની ચૂંટણીઓ અથવા પેટાચૂંટણીઓ જીતી અને ૨૦૧૪ અને ૨૦૧૯માં બે લોકસભા ચૂંટણી પણ જીતી હતી.

 

(7:21 pm IST)