Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કાલે ભાજપ સંકલ્‍પ પત્ર જાહેર કરશે

ભાજપ સમર્થકોની આતુરતાનો અંત : ૫થી ૧૫ તારીખ સુધી સંકલ્‍પ પત્ર માટે હાથ ધરાયું હતુ અભિયાન

નવી દિલ્‍હી, તા.૨૫: ગુજરાત આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્‍પ પત્ર' (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરી નાખ્‍યું છે. આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના દેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ યોજીને સંકલ્‍પ પત્ર જાહેર કરાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી નડ્ડા, કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ મંડવીયા પણ હાજર રહી શકે છે.

વાસ્‍તવમાં ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ૦૫ નવેમ્‍બરના રોજ ‘અગ્રેસર ગુજરાત' કેમ્‍પેન લૉન્‍ચ કરાયું હતું. જેમાં તા.૧૫ નવેમ્‍બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્‍યા હતા. આ માટે ખાસ સૂચન પેટી અનેક સ્‍થળોએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર ૭૮૭૮૧ ૮૨૧૮૨ અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ બનાવવામાં આવી હતી. જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી શકે. 

‘અગ્રેસર ગુજરાત' કેમ્‍પેન લૉન્‍ચ કર્યા બાદ સી.આર.પાટીલે જણાવ્‍યું કે, ‘પ્રજાના સૂચનો એ ભાજપનો સંકલ્‍પ રહ્યો છે અને એટલે તારીખ ૫ થી ૧૫ દરમિયાન જનતા જનાર્દનના સૂચનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચારવિમર્શ કર્યા પછી સંકલ્‍પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ રજૂ કરાશે.'

ફોન નંબર, વેબસાઈટ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે અને સૂચન પેટી દ્વારા પણ લોકોના સૂચન લેવાયા હતા. જોકે, જનતા પાસેથી મળેલા અભિપ્રાયના આધારે ભાજપનું ‘સંકલ્‍પ પત્ર' (ચૂંટણી ઢંઢેરો) તૈયાર થઈ ગયું છે.

મળતી માહિતી અનુસાર, ભાજપ આવતીકાલે વર્ષ ૨૦૨૨ વિધાનસભાનું સંકલ્‍પ પત્ર જાહેર કરશે. ગાંધીનગર કમલમ ખાતેથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ પ્રેસ કોન્‍ફરન્‍સ કરશે.

આ દરમિયાન ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી નડ્ડા હાજર રહી શકે છે. તો કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા પણ હાજર રહી શકે છે.

(3:28 pm IST)