Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

બાવળામાં પીએમ મોદીની સભામાં સુરક્ષાને લઇ સામે આવી મોટી ચૂક : અજાણ્‍યુ ડ્રોન ઉડતું દેખાયું

વડાપ્રધાનની સભા શરૂ હતી તે દરમિયાન ત્‍યાં અજાણ્‍યુ ડ્રોન દેખાતા સુરક્ષા એજન્‍સીઓ સતર્ક થઇ : ગણતરીની મિનિટોમાં ડ્રોન ઉડાડનારા ત્રણેય શખ્‍સોને ઝડપી લેવામાં આવ્‍યા

નવી દિલ્‍હી તા. ૨૫ : અમદાવાદના બાવળામાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. વડાપ્રધાન જયાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા ત્‍યાં અજાણ્‍યુ ડ્રોન ઉડતુ દેખાયુ હતુ. આ ઘટનામાં પોલીસે ત્રણ શખ્‍સોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને પીએમની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. જે સ્‍થળે પીએમની સભા હતી ત્‍યાં લોખંડી સુરક્ષા બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. કેન્‍દ્રીય સુરક્ષા એજન્‍સીઓ ઉપરાંત, સ્‍થાનિક સુરક્ષા એજન્‍સી સહિત અમદાવાદ ગ્રામ્‍ય પોલીસની અલગ અલગ ટૂકડીઓ તૈનાત હતી. આ દરમિયાન પોલીસ કોન્‍સ્‍ટેબલ અનૂપસિંહને સભાગૃહના મુખ્‍ય માર્ગ પર ડ્રોન ઉડતુ દેખાયુ હતુ. આ ડ્રોન કોણ ઉડાડી રહ્યુ હતુ તેની ચકાસણી કરતા ત્રણ શખ્‍સોને ઝડપી લેવામાં આવ્‍યા હતા. આ શખ્‍સો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી રહી હતી.

ડ્રોન ઉડાડતા ઝડપાયેલા ત્રણ શખ્‍સોમાં નિકુલ રમેશ પરમાર, રાકેશ કાળુભાઈ ભરવાડ સહિતના ત્રણ શખ્‍સોને ઝડપી લેવામાં આવ્‍યા હતા. આ ત્રણેય શખ્‍સો ડ્રોન દ્વારા વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાતી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. તેના આધારે ત્રણેય શખ્‍સોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રોનમાં તેમણે ક્‍યા ક્‍યા પ્રકારની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી છે તેની ચકાસણી હાથ ધરવામાં આવી છે. સાથે જ ત્રણેય શખ્‍સોનો રેકોર્ડ પણ તપાસમાં આવી રહ્યો છે. આ શખ્‍સો ક્‍યા કારણોસર આ પ્રવૃતિ કરી રહ્યા હતા કોઈ ચોક્કસ જૂથના હતા, કોઈના ઈશારે આ પ્રકારની પ્રવૃતિ કરતા હતા સહિતના તમામ પાંસાઓને આવરી લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બાવળામાં પીએમ મોદીની સભા અગાઉથી જ નિર્ધારિત હતી. કોઈપણ સ્‍થળે વડાપ્રધાનનો કાર્યક્રમ નિર્ધારિત થતો હોય, અથવા વીવીઆઈપી મુવમેન્‍ટ હોય તેની આસપાસના વિસ્‍તારોને કોર્ડન કરી લેવામાં આવતો હોય છે અને શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવે છે. આ રીતે જ સુરક્ષા એજન્‍સીઓની સતર્કતાને કારણે કંઈક મોટુ અઘટિત થતા ટાળી શકાયુ છે. ડ્રોન ઉડાડવાના આરોપસર પકડાયેલા ત્રણેય શખ્‍સો સામે જાહેરનામા ભંગની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.  નો ફલાય ઝોન હોવા છતા આ ત્રણેય શખ્‍સો કઈ રીતે ડ્રોન લઈ અહીં પહોંચ્‍યા અને કઈ રીતે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યુ હતુ, આ દરેક બાબતોને ધ્‍યાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્‍યારે તેમની પૂછપરછ દરમિયાન આ ત્રણેય શખ્‍સોનુ શું કનેક્‍શન બહાર આવે છે તે જોવુ રહ્યુ.

(10:30 am IST)