Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

અશોક ગેહલોત અને સચિન પાયલટ ફરી સામસામે

રાજસ્‍થાનમાં ભારત જોડો યાત્રા શરૂ થાય તે પહેલા : હાઇકમાન્‍ડ ધર્મસંકટમાં : યાત્રાની ખરી કસોટી રાજસ્‍થાનમાં જ થવાની છે

જયપુર તા. ૨૫ : રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્‍ચે ફરી તણાવ સામે આવ્‍યો છે. ગેહલોતે સ્‍પષ્ટ કહ્યું છે કે તેઓ સચિન પાયલટને રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી નહીં બનાવી શકે. આમ કહીને ગેહલોતે કોંગ્રેસ હાઈકમાન્‍ડને સીધો પડકાર ફેંક્‍યો છે. ભારત જોડો યાત્રામાં સચિન રાહુલ અને પ્રિયંકા સાથે દેખાયો ત્‍યારે અશોક ગેહલોતે સચિન પાયલટની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્‍હ લગાવી દીધો હતો.

એક તરફ મધ્‍યપ્રદેશના બુરહાનપુરમાં રાહુલ ગાંધીની મુલાકાતમાં સચિન પાયલટ અને પ્રિયંકા ગાંધી સાથે ફરતા હોવાની તસવીરો સામે આવી છે, તો બીજી તરફ મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર સચિન પાયલટ વિરૂદ્ધ મોરચો ખોલ્‍યો છે. મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પાયલટ સરકારને તોડવા માટે ધારાસભ્‍યો સાથે માનેસર ગયા હતા અને તેઓ ભાજપને મળ્‍યા હતા. આવી સ્‍થિતિમાં સચિન પાયલટને મુખ્‍યમંત્રી બનાવી શકાય નહીં.રાજસ્‍થાનમાં ભારત જોડો યાત્રા શરૂ થાય તે પહેલા તેને અશોક ગેહલોતની દબાણની રાજનીતિ પણ કહેવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ યાત્રાની ખરી કસોટી રાજસ્‍થાનમાં જ થવાની છે.

ગેહલોતના નિવેદન પર સચિન પાયલટની પ્રતિક્રિયા પણ આવી છે. પાયલોટે કહ્યું કે ગેહલોત વરિષ્ઠ અને અનુભવી નેતા છે. મને ખબર નથી કે તેઓને મારા પર ખોટા અને પાયાવિહોણા આરોપો કરવાની સલાહ કોણ આપે છે. પાર્ટીને મજબૂત કરવાનો આ સમય છે. રાહુલ ભારત જોડો યાત્રા પર છે, આપણે સાથે મળીને તેને સફળ બનાવવાની છે.

પાયલોટે વધુમાં કહ્યું કે જયારે હું પાર્ટી અધ્‍યક્ષ હતો ત્‍યારે રાજસ્‍થાનમાં ભાજપની હાર થઈ હતી. આમ છતાં કોંગ્રેસ અધ્‍યક્ષે ગેહલોતને સીએમ બનાવીને તક આપી.મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે સવાઈ માધોપુરની રેલીમાં પણ સચિન પાયલોટ પર જનતાની સામે સરકારને પછાડવા માટે ભાજપ સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્‍યો હતો. હવે ગુજરાતમાં રાહુલ ગાંધીની રેલીમાંથી પરત ફર્યા બાદ ગેહલોતે રાજસ્‍થાનના પાલીમાં સચિન પાયલટ પર જે રીતે પ્રહારો કર્યા છે તે જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ ગુજરાતની રેલીમાં અશોક ગેહલોતને જવાબ આપ્‍યો ન હતો, જેના કારણે સચિન નારાજ છે. પાયલોટ, મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે હાઈકમાન્‍ડ સામે જ મોરચો ખોલ્‍યો છે.

(10:25 am IST)