Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

દુશ્‍મનને પણ ન થાય આ બીમારીઃ ૨૯ કરોડ રૂપિયામાં દવાનો એક ડોઝ!

અમેરિકાએ હિમોફિલીયા રોગની એક દવાને મંજૂરી આપી છેઃ જેના એક ડોઝની કિંમત લગભગ ૨૯ કરોડ રૂપિયા છે : હીમોફિલીયાનો રોગ જિનેટિક રોગ છે અને તે દર ૧૦ હજાર નવજાત બાળકોમાંથી એકમાં જોવા મળે છેઃ આ રોગ લગભગ અસાધ્‍ય મનાય છેઃ આ રોગમાં શરીરમાં ઘા થાય ત્‍યારે લોહી વહેવાનું બંધ થતું નથીઃ તેના માટેની દવાઓ પણ ઘણી મોંઘી આવે છેઃ હવે, આ રોગની એક દવાને અમેરિકાએ મંજૂરી આપી છે, જેની કિંમત કરોડોમાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્‍હી,તા.૨૪: અમેરિકાના ડ્રગ રેગ્‍યુલેટર્સએ દુનિયાની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી દીધી છે. આ દવા હીમોફિલીયાની સારવારમાં કામ આવે છે અને તેના એક ડોઝની કિંમત ૩૫ લાખ ડોલર એટલે કે લગભગ ૨૮.૬૪ કરોડ રૂપિયા છે. આ દવાનું નામ Hemgenix છે અને તેને ફાર્મા કંપની સીએસએલ બેરિંગ એ બનાવી છે. હીમોફિલીયા એક પ્રકારનું બ્‍લીડિંગ ડિસઓર્ડર છે. આ એક જેનેટિક રોગ છે અને ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. હીમોફિલીયા રોગના કારણે શરીરમાં લોહી જામવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને એ કારણે ઈજા થાય ત્‍યારે શરીરમાંથી વહેતું લોહી જલદી રોકાતું નથી. આ રોગ મહિલાઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે. હીમોફિલીયા મુખ્‍યત્‍વે બે પ્રકારના હોય છે. હીમોફિલીયા ટાઈપ એ અને હીમોફિલીયા ટાઈપ બી. સીએસએસ બેરિંગની દવા હીમોફિલીયા ટાઈપ બીમાં કારગર છે.

સીએસએસ બેરિંગની આ દવા માત્ર એક જ વખત આપવામાં આવે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેનાથી લોહી વહેવાના મામલા ૫૪ ટકા સુધી ઓછા થઈ જાય છે. તેમાં ઘણો સમય લાગે છે અને સાથે જ તે ઘણી મોંઘી પણ છે. Hemgenixના એક ડોઝથી દર્દી રેગ્‍યુલર ટ્રીટમેન્‍ટની ઝંઝટમાંથી મુક્‍ત થઈ શકે છે, પરંતુ તેની કિંમત ઘણી વધારે છે. જાણકારોના કહેવા મુજબ, તેની કિંમત વધુ છે પરંતુ તે સફળ થવાના ચાન્‍સ વધારે છે. તેનું કારણ એ છે કે, હાલ મળતી દવાઓ પણ ઘણી મોંઘી છે અને હીમોફિલીયાના દર્દીઓ લોહી વહી જવાની આશંકા હેઠળ રહે છે.

બાળકોની સ્‍પાઈનલ મસ્‍કુલર એટ્રોફી બીમારીમાં કામ આવતી Novartis AGની દવા Zolgensmaને ૨૦૧૯માં મંજૂરી અપાઈ હતી. ત્‍યારે તેની કિંમત ૨૧ લાખ ડોલર હતી. એ જ રીતે બ્‍લડ ડિસઓર્ડર બીટા થેલેસેમિયાની દવા Zyntegloની કિંમત ૨૮ લાખ ડોલર છે. Bluebird Bio Incની આ દવાને આ વર્ષે જ મંજૂરી આપવામાં આવી હતી.

આંકડા મુજબ, જન્‍મ લેનારા પ્રતિ ૧૦ હજાર બાળકોમાંથી માત્ર એકને આ બીમારી થાય છે. આપણા લોહીમાં ઘણા પ્રકારના પ્રોટીન હોય છે. તેમાંથી કેટલાક એવા હોય છે, જે લોહી વહેતું રોકે છે. આ પ્રોટીન લોહી વહેતું હોય તે જગ્‍યા ભરવામાં સહાયકનું કામ કરે છે. તેને ક્‍લોર્ટિંગ ફેક્‍ટર કહેવાય છે. ફેક્‍ટર આઠની અછતને હીમોફીલિયા-એ અને ફેક્‍ટર નવની અછતને હીમોફીલિયા-બી કહેવાય છે. 

(10:21 am IST)