Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ત્રણ પુત્રીની હત્યાના કેસમાં પિતાને ૧૯ વર્ષે ન્યાય મળ્યો

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની ચર્ચાસ્પદ ઘટના : પુત્રીઓના હત્યારાઓને સજા અપાવવા પોલીસમાં ગયેલા પિતાને જ ગુનેગાર બનાવીને જેલમાં નાખી દેવાયા હતા

શાહજહાપુર , તા.૨૫ : પોતે ગુનેગાર ના હોવા છતાં દીકરીના હત્યારા તરીકેનો ભાર લઈને ફરતા ઉત્તરપ્રદેશના અવધેશસિંહને આખરે કોર્ટમાંથી ન્યાય મળ્યો છે. મોડી રાત્રે તેઓ જ્યારે ઘરે પહોંચ્યા તો તેમની પત્ની દીકરીઓની તસવીર લઈને ઉભી હતી. દીકરીની તસવીર જોઈને બન્ને પતિ-પત્ની રડવા લાગ્યા હતા. અવધેશને પોતાની ત્રણ દીકરીઓની હત્યાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. આટલા વર્ષો સુધી તેમનો પરિવાર ન્યાય માટે ભટકતો રહ્યો હતો. જોકે, આખરે બુધવારે તેમને ન્યાય મળ્યો હતો, જ્યારે ગુનાના સાચા આરોપીઓને દોષિત ઠેરવીને મોતની સજા સંભળાવી છે.

ઘટના વર્ષ ૨૦૦૨માં બન્યો હતો. ૧૫ ઓક્ટોબરની સાંજે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં અવધેશસિંહ પોતાના ઘરે પશુઓને ઘાસ ખવડાવીને ખાટલામાં આરામ કરી રહ્યા હતા. નજીકમાં અન્ય ખાટલામાં તેમની ત્રણ દીકરીઓ પણ સૂતી હતી. દરમિયાન છૂટકન્નુ અને અન્ય આરોપીઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા. જેમણે ફાયરિંગ શરુ કરી દીધું હતું. અવધેશસિંહ ત્યાંથી ભાગી ગયા પરંતુ તેઓ દીકરીઓને બચાવી શક્યા નહોતા.

પછી તેમની સાથે જે થયું તે અંગે તેમણે કે તેમના પરિવારે કલ્પના નહીં કરી હોય. અવધેશસિંહે ઘટના અંગે ફરિયાદ નોંધાવી પરંતુ પોલીસે તેમની દીકરીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી લીધી હતી. લગભગ ૧૦ દિવસ સુધી અવધેશસિંહને પોલીસ સ્ટેશનમાં રાખ્યા. અનેક રજૂઆતો છતાં પોલીસે તેમને દીકરીઓના અંતિમ દર્શન કરવા ના દીધા. પછી અવધેશને જેલમાં મોકલી દેવામાં આવ્યો.

ભીની આખે અવધેશની પત્ની શશિ જણાવે છે કે તેમણે સતત પતિને બચાવવા માટે લડાઈ લડી અને અંતમાં ન્યાય મળ્યો. તેમણે કહ્યું, હવે મારી દીકરીઓની આત્માને શાંતિ મળશે. મને આજે પણ તેમના માસૂમ ચહેરા યાદ છે.

એડિશનલ સેશન જજ સિદ્ધાર્થ કુમાર વાધવે નિર્ણય લેતા તત્કાલીન ઈન્વેસ્ટિગેશન ઓફિશર (આઈઓ) હોશિયારસિંહ અને ગવાહ દિનેશ કુમાર સામે અસલી ગુનેગારો સાથેની મીલીભગત અને નિર્દોષ પિતાને દીકરીની હત્યામાં ખોટી રીતે ફસાવવા બદલ બીન જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

ઈન્વેસ્ટિગેશન ઓફિસરના નિવેદનના આધારે અવધેશસિંહ સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે દીકરીઓી હત્યા બાદ અવધેશે ગુનો કબૂલ કર્યો હતો અને તેની પાછળનું કારણ ગરીબી હોવાનું જણાવ્યું હતું.

 ઈન્વેસ્ટિગેશન ઓફિસરે કેસમાં ક્લોઝર નોટિસ દાખલ કરી હતી.

૧૫ ઓક્ટોબર ૨૦૦૨એ અવધેશસિંહની ત્રણ દીકરી રોહિણી (), નીતા () અને સુર્મી ()ની ત્રણ લોકોએ ઘરમા ઘૂસીને હત્યા કરી નાખી હતી. છૂટકન્નુ ઉર્ફે નથ્થુલાલ, તેનો ભાઈ રાજેન્દ્ર અને દીકરા નરવેશે કરેલા ફાયરિંગમાં મોત થયા હતા. અવધેશસિંહ પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હતા પરંતુ ત્રણે દીકરીઓનું મોત થયું હતું.

(7:24 pm IST)