Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કાશ્મીરને સાથે રાખવું હોય તો, અમે ગોડસેના હિન્દુસ્તાનમાં ન રહી શકીએ

મહેબુબા મુફતીની કેન્દ્રને ચેતવણી : મહાશકિત અમેરિકા પોતાના શકિતના બળ પર અફઘાનમાં શાસન કરવામાં નિષ્ફળ રહ્યું અને ત્યાંથી જવું પડ્યું

 

જમ્મુ, તા.૨૫: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબુબા મુફ્તિએ કેન્દ્ર સરકારને કહ્યું કે, જો તેઓ કાશ્મીરને સાથે રાખવા ઈચ્છે છે તો આર્ટિકલ ૩૭૦ પુનઃસ્થાપિત કરે અને કાશ્મરીના મુદ્દાનું નિરાકરણ લાવે. લોકો પોતાની ઓળખ અને સન્માન પરત મેળવવા માગે છે અને એ પણ વ્યાજની સાથે. મહેબુબા મુફ્તિએ લોકોને એકજૂટ થવા માટે અને બંધારણ દ્વારા આપવામાં આવેલા વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરવામાં તેમના સંઘર્ષ તથા લોકોની અળખ અને સન્માનની સુરક્ષા માટે પોતાના અવાજને વધુ બુલંદ કરવા આહ્વાન કર્યુ. બનિહાલના નીલ ગામમાં એક જનસભાને સંબોધિત કરતા મહેબુબા મુફ્તિએ એવું પણ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોએ અમારા નસીબનો નિર્ણય મહાત્મા ગાંધીના ભારત સાથે કર્યો હતો, જેઓએ અમને આર્ટિકલ ૩૭૦ આપ્યો, અમારૂ પોતાનુ બંધારણ આપ્યુ અને ધ્વદ આપ્યો. ગોડસેની સાથે ન રહી શકીએ. પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તિએ કહ્યું કે, અમે મહાત્મા ગાંધીના ભારતની સાથે પોતાના નસીબનો નિર્ણય કર્યો, જેઓએ અમને આર્ટિકલ ૩૭૦, અમારૂ બંધારણ અને ધ્વજ આપ્યો. જો તેઓ અમારી બધી જ ચીજવસતુઓ છીનવી લેશે તો અમે પણ અમારો નિર્ણય પરત લઈ લઈશું. તેઓએ વિચાર કરવો પડશે કે જો તેઓ પોતાની સાથે જમ્મુ-કાશ્મીરને રાખવા માગે છે તો આર્ટિકલ ૩૭૦ને પુનઃસ્થાપિત કરવો પડશે અને કાશ્મીરના મુદ્દાનું નિરાકરણ લાવવું પડશે.

મહેબુબા મુફ્તિએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો ગોડસેના ભારતની સાથે ન રહી શકે. અમે મહાત્મા ગાંધીનું ભારત ઈચ્છીઈ છીએ. ભારતીય બંધારણથી અમને મળેલી ઓળખ અને સન્માન પરત મેળવવા માગીએ છીએ તથા મને વિશ્વાસ છે કે તેઓેને વ્યાજ સાથે આ પરત કરવું પડશે. મહેબુબા મુફ્તિએ કહ્યું કે, ઈતિહાસ સાક્ષી છે કે કોઈ પણ શક્તિશાળી રાષ્ટ્રે બંદુકના જોરે લોકો પર શાસન કર્યુ નથી. તમે કાશ્મીરને લાકડી કે બંદુકના જોરે રાખી શકો નહીં. મહાશક્તિ

અમેરિકા પણ પોતાની શક્તિના જોરે અફઘાનિસ્તાન પર શાસન કરવામાં નિષ્ફળ રહ્યું અને તને ત્યાંથી ચાલ્યા જવું પડ્યું. મહેબુબા મુફ્તિએ ભાજપનું નામ લીધા વગર કહ્યું કે, અમારા પોતાના કેટલાંક લોકો એ સમયે નારાજ થઈ જાય છે કે જ્યારે હું જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાશ્મીરના મુદ્દાના નિરાકરણ માટે પાકિસ્તાન સાથે વાત કરવાની વાત કરૂ છું.

તેઓ મને દેશદ્રોહી અને રાષ્ટ્ર વિરોધી ગણાવે છે. પીડીપીના ચીફ મહેબુબા મુફ્તિએ કહ્યું કે, આજે એ લોકો તાલિબાન અને ચીનની સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ચીને લદ્દાખમાં આપણી જમીન પચાવી પાડી અને અરૂણાચલ પ્રદેશમાં એક ગામ પણ વસાવી દીધું છે. મહેબુબા મુફ્તિએ ૧૫ નવેમ્બરના રોજ શ્રીનગરના હૈદરપોરામાં એક વિવાદાસ્પદ અથડામણમાં માર્યા ગયેલા સામાન્ય લોકોના પરિવારના સભ્યોના પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે ચૂંટણી નથી અને હું તમારો વોટ નથી માંગી રહી. જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે તમને મન ફાવે એમને વોટ આપજો. હું પીડીપી માટે તમારૂ સમર્થન ઈચ્છું છું, જેથી ૧૮ મહિનાના બાળકને પોતાના પિતાની લાશ મેળવવા માટે રસ્તા પર ન ઉતરવું પડે. મહેબુબા મુફ્તિએ ભાજપ પર જમ્મુ-કાશ્મીરના લોકોને જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે વહેચવાનો આરોપ પણ લગાવ્યો.

(3:31 pm IST)