Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ટી.આર.પી.સ્કેમ મામલે મુંબઈ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટને રિપબ્લિક ટી.વી. પડકારશે : આ માટે સુધારા વધારા સાથેની પિટિશન દાખલ કરવા દેવા મુંબઈ હાઇકોર્ટે મંજૂરી આપી : સુધારેલી પિટિશનની નકલ રાજ્ય સરકારને આપવાની સરકારના એડવોકેટ કપિલ સિબ્બલની માંગણી મંજુર કરાઈ : સુનાવણી માટેની આગામી મુદત 2 ડિસેમ્બર 2020

મુંબઈ : મુંબઈ પોલીસે ટી.આર.પી.સ્કેમ મામલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ રજુ કર્યું છે. આ ચાર્જશીટને ચેલેન્જ આપવા રિપબ્લિક ટી.વી.ની પેરેન્ટ કંપની એઆરજી ને સુધારા વધારા સાથેની પિટિશન દાખલ કરવા  મુંબઈ હાઇકોર્ટ  મંજૂરી આપી છે.

આ અગાઉ દાખલ કરાયેલી પિટિશનમાં રિપબ્લિક ટી.વી.સામેનો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ રદ કરવા તથા તેના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામી સહિતના સ્ટાફની તપાસ મુંબઈ પોલીસ પાસેથી લઈને સી.બી.આઈ.ને સોંપવા અરજ ગુજારાઇ  હતી.

પરંતુ મુંબઈ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટને ધ્યાને લઇ એઆરજી વતી હાજર રહેલા સીનીઅર એડવોકેટ આબાદ પોન્ડાએ પિટિશનમાં સુધારા વધારા કરવા દેવા તથા સુનાવણી થોડા દિવસ પછી રાખવા અરજ કરી હતી.જેથી મુંબઈ પોલીસની ચાર્જશીટને ચેલેન્જ કરી શકાય.

રાજ્ય સરકાર વતી હાજર રહેલા સીનીઅર એડવોકેટ કપિલ સિબ્બલે વાંધો લઇ મુંબઈ પોલીસે આપેલ ચાર્જશીટને શા કારણે પડકારવા માંગે છે તેનું કારણ આપતી લેખિત અરજી કરવી જોઈએ તેવી રજુઆત કરી હતી. જેથી રાજ્ય સરકારને જવાબ આપવાનો સમય મળી રહે.સાથોસાથ તેમણે રિપબ્લિક ટી.વી.ઉપર ચાર્જશીટ ટ્રાયલ પ્રસારણ કરવામાં ન આવે તેવો આદેશ આપવા નામદાર કોર્ટને વિનંતી કરી હતી.જે માટે નામદાર કોર્ટે લેખિત અરજી આપવા કપિલ સિબ્બલને જણાવ્યું હતું જેથી રિપબ્લિક ટી.વી.તેનું પ્રસારણ ન કરી શકે.

બંને પક્ષની દલીલો સાંભળી નામદાર કોર્ટે સુધારા વધારા સાથેની અરજી રજુ કરવા માટે શુક્રવાર  સુધીનો સમય આપ્યો હતો જેની એક કોપી રાજ્ય સરકારને આપવાનો આદેશ આપ્યો હતો.જેથી તેઓને જવાબ આપવાનો સમય મળી શકે.

કેસની આગામી સુનાવણી 2 ડિસેમ્બર ઉપર રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:41 pm IST)