Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

૧ જાન્યુઆરીથી લેન્ડલાઇનમાંથી મોબાઇલ નંબર ડાયલ કરતા પહેલા 'જીરો' ડાયલ કરવો પડશે

ટ્રાઇ દ્વારા પ્રસ્તાવ મંજૂર : ભવિષ્યની જરૂરિયાતોને પુરી કરવામાં મદદરૂપ થશે

નવી દિલ્હી,તા. ૨૫: દેશભરમાં લેન્ડલાઈનથી મોબાઈલમાં ફોન પર કોલ કરવા માટે ગ્રાહકોને એક જાન્યુઆરીથી નંબરની પહેલા શૂન્ય (૦) ડાયલ કરવો ફરજિયાત થશે.

ટેલિકોમ વિભાગ સાથે સંકળાયેલ TRAIએ આ પ્રસ્તાવ મંજૂર કરી લીધો છે. TRAIએ આ પ્રકારના કોલ કરવા માટે ૨૯ મે, ૨૦૨૦થી જ નંબરની પહેલા શૂન્ય (૦) લગાવવાની ભલામણ કરી હતી. જેથી ટેલિકોમ સર્વિસ પૂરી પાડતી કંપનીઓને અધિક નંબર બનાવવા માટેની સુવિધા મળશે.ટેલિકોમ વિભાગે ૨૦ નવેમ્બરે જાહેર કરેલ એક સકર્યુલરમાં કહ્યું છે કે, લેન્ડલાઈનથી મોબાઈલ પર નંબર ડાયલ કરવાની રીતમાં ફેરફારની TRAIની ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. જેથી મોબાઈલ અને લેન્ડલાઈન સર્વિસ માટે પૂરતી માત્રામાં નંબર બનાવવાની સુવિધા મળશે.

સકર્યુલર અનુસાર, ઉપરોકત નિયમ લાગૂ કર્યા બાદ લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરવા માટે નંબરની પહેલા શૂન્ય (૦) ડાયલ કરવો પડશે. ટેલિકોમ વિભાગે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને લેન્ડલાઈનના તમામ ગ્રાહકોને શૂન્ય ડાયલ કરવાની સુવિધા આપવી પડશે. આ સુવિધા હાલ પોતાના વિસ્તારની બહાર કોલ કરવા માટે ઉપલબ્ધ છે.ટેલિકોમ કંપનીઓને આ નવી વ્યવસ્થા અપનાવવા માટે એક જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. ડાયલ કરવાની પદ્ઘતિમાં આ પ્રકારના ફેરફારથી ટેલિકોમ કંપનીઓને મોબાઈલ સર્વિસ માટે ૨૫૪.૪ કરોડ વધારાના નંબર બનાવવાની સુવિધા મળશે. જે ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થશે.

(3:31 pm IST)