Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કોંગ્રેસના 'ચાણકય'ની ચિર વિદાય

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન : કોરોના સામેનો જંગ હાર્યાઃ ૧ મહિનાથી સંક્રમિત હતા : આજે સવારે અંતિમ શ્વાસ લીધા : ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ ઉપરાંત સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા

ગુરૃગ્રામ,તા. ૨૫:કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજયસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૃગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. ૭૧ વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

 

એક ટ્વીટમાં તેમના દીકરા ફૈઝલ શેખે અહેમદ પટેલ બુધવારે સવારે ૩.૩૦ કલાકે અવસાન પામ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે દિગવંત નેતાને શ્રદ્ઘાંજલિ આપવા માટે કોવિડ પ્રોટોકોલ અનુસાર લોકોને મોટી સંખ્યામાં ભેગા ના થવા માટે પણ અપીલ કરી હતી. અહેમદ પટેલ મૂળ ભરુચના છે, અને તેઓ ભરુચ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ પણ રહી ચૂકયા છે.

અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. ૧ ઓકટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ૧૫ નવેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.પીએમ મોદીએ સ્વર્ગીય નેતાને શ્રદ્ઘાંજલિ આપતા જણાવ્યું હતું કે હું તેમના અવસાનથી દુઃખી છું. તેમણે જાહેરજીવનમાં વર્ષો વિતાવ્યા, અને સમાજની સેવા કરી. તેઓ પોતાની વિચક્ષણ બુદ્ઘિ માટે જાણીતા હતા અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેમણે નીભાવેલી ભૂમિકા માટે તેમને યાદ રખાશે.

અહેમદ પટેલ સોનિયા ગાંધીના પોલિટિકલ સેક્રેટરી તરીકે કોંગ્રેસમાં ખૂબ જ લાંબો સમય સુધી પાવર સેન્ટર રહ્યા હતા. તેમણે રાજીવ ગાંધીના પોલિટિકલ સેક્રેટરી તરીકે પણ ૧૯૮૫માં ફરજ બજાવી હતી. ૨૦૧૮માં તેમની પક્ષના ખજાનચી તરીકે નિમણૂંક કરાઈ હતી.

આઠવાર સાંસદ રહી ચૂકેલા અહેમદ પટેલ ત્રણવાર લોકસભા અને પાંચવાર રાજયસભા ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા. ૨૦૧૭માં તેમણે રાજયસભાની ચૂંટણીમાં ખૂબ જ આકરી લડત આપીને જીત મેળવી હતી. તેમની ગણના કોંગ્રેસના ટ્રબલશૂટર તરીકે તેમજ અન્ય પક્ષો સાથેના કો-ઓર્ડિનેટર તરીકે પણ કરાતી હતી.

(10:28 am IST)