Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કર્ણાટકમાં ધાર્મિક સ્થળોને હવે ધ્વસ્ત નહીં કરી શકાય

કર્ણાટકમાં ધાર્મિક સ્થળો ધ્વસ્ત કરાતા ભારે વિવાદ : રાજ્યમાં નવો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો, આ કાયદાને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની મંજૂરી મળી

બેંગલુરૂ, તા.૨૫ : દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી સાર્વજનિક સ્થળોએ બનેલા ધાર્મિક સ્થળોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા હતા તેને લઈ સર્જાયેલા વિવાદ બાદ રાજ્યમાં નવો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે.

કાયદાને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની મંજૂરી મળી ગઈ છે અને હવે તે સંપૂર્ણપણે લાગુ થઈ ગયો છે.

કાયદાનો ઉદ્દેશ્ય સાર્વજનિક સ્થળોએ બનેલા ધાર્મિક સ્થળોને ધ્વસ્ત થતાં બચાવવાનો છે.

કાયદાને કર્ણાટક રિલિજિયસ સ્ટ્રક્ચર (પ્રોટેક્શન) એક્ટ એવું નામ આપવામાં આવ્યું છે અને ૧૯ ઓક્ટોબરના રોજ રાજ્યપાલે તેને મંજૂરી આપી હતી. હવે તેનું ગેઝેટ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. કાયદાને તાજેતરમાં વિધાનસભામાં પાસ કરાવવામાં આવ્યો હતો.

હકીકતે ગત મહિને મૈસૂર જિલ્લાના નંજાનગુડ ખાતે એક મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું ત્યાર બાદ વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ભાજપ સરકારની ટીકાઓ શરૂ થઈ ગઈ હતી. લોકોએ પણ રીતે ધાર્મિક સ્થળો ધ્વસ્ત કરવાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ રાજ્ય સરકાર ઉતાવળે કાયદો લઈ આવી છે.

હવે નવો કાયદો સરકારી જમીન પર બનેલા કોઈ પણ ધાર્મિક સ્થળને સંરક્ષણ આપશે. સાથે કાયદો ભવિષ્યમાં કોઈ પણ જાતની મંજૂરી વગર કોઈ પણ ધાર્મિક સ્થળ બનાવવામાં આવે તેને પણ રોકે છે. કાયદામાં એવી જોગવાઈ પણ છે કે, જિલ્લા પ્રશાસન આવા ધાર્મિક સ્થળોએ ધાર્મિક ગતિવિધિઓની મંજૂરી આપી શકે છે.

તે સિવાય કાયદામાં એવી જોગવાઈ પણ છે કે, જો કાયદા અંતર્ગત રાજ્ય સરકાર, તેના અધિકારી કે કોઈ કર્મચારી કોઈ પણ કાર્યવાહી કરે તો તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

(7:18 pm IST)