Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

૪૫ રૂપિયાનું પેટ્રોલ આપણને ૧૦૩માં કેવી રીતે પડે છે?

ગણતરી મગજ ચકરાવે ચઢી જશે

નવી દિલ્હી, તા.૨૫: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારો હજુ યથાવત છે. આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૩૫ પૈસાનો વધારો ઝીંકાયો છે. દેશના દોઢ ડઝન રાજયોમાં ડીઝલની કિંમત ૧૦૦ ને પાર પહોંચી ગઈ છે. આ સાથે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઓલ ટાઈમ હાઈ થઈ છે. વેટનો દર અલગ હોવાથી તમામ રાજયોમાં અલગ-અલગ કિંમત થઈ છે. સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ ૧૮ અને ૧૯ ઓકટોબરે ભાવ વધારવામાં આવ્યા ન હતાં. તેની પહેલા સળંગ ચાર દિવસ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. પણ સવાલ એ છે કે આખરે પેટ્રોલ-ડીઝલ કેવી રીતે મોંઘુ બને છે. રોજેરોજ કેવી રીતે તેના ભાવ અપ જતા રહે છે. આ પાછળ એક ગણિત છે. અમે તમને ગ્રાફિકસના માધ્યમથી સમજાવીએ કે, આખરે પેટ્રોલ મોંઘું કેમ છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો વિશે વધુ જાણીએ તો પેટ્રોલની મૂળ કિંમત ૪૫.૩૭ રૂપિયા છે, જેના પર બેઝિક ડ્યુટી ૧.૪૦ રૂપિયા અને એકસાઈઝ ડ્યુટી ૧૧ રૂપિયા લાગૂ કરાશે. આ ઉપરાંત ૨.૫ રૂપિયા સેસ ઉપરાંત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર સેસ ૧૮ રૂપિયા લાગૂ થાય છે. જે ઉપરાંત રાજયનો વેટ ૧૭.૧૬ રૂપિયા લાગૂ થાય છે. તથા પડતરૅએકસાઈઝૅવેટ પર ૪ ટકા સેસ લેખે ૩.૮૨ રૂપિયા લેવાય છે. તથા ફિકસ માર્જિન ૩.૩૦ રૂપિયા બાદ ૪૫ રૂપિયાના પેટ્રોલના ૧૦૨ રૂપિયા ભાવ થાય છે.

એટલે કે પેટ્રોલના ભાવનું ગણિત જોઈએ તો ૪૫.૩૭ રૂપિયા+ ૧.૪૦ રૂપિયા +૧૧ રૂપિયા+ ૨.૫ રૂપિયા+૧૮ રૂપિયા+ ૧૭.૧૬ રૂપિયા + ૩.૮૨ રૂપિયા+ ૩.૩૦ રૂપિયા ઉમેરાઈને સીધા ૧૦૨.૫૫ રૂપિયા થાય છે.

આ તો વાત થઈ પેટ્રોલની... હવે વાત કરીએ ડીઝલની તો, ડીઝલની મૂળ કિંમત ૪૬.૬૯ રૂપિયા છે, જેના પર ૧.૮૦ રૂપિયા બેઝિક ડ્યુટી અને ૮ રૂપિયા એકસાઈઝ ડ્યુટી તેમજ ૪ રૂપિયા સેસ લેવામાં આવે છે... તે ઉપરાંત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકટચર સેસ ૧૮ રૂપિયા અને રાજયનો વેટ ૧૭.૧૨ રૂપિયા લેવામાં આવે છે... તથા પડતરૅએકસાઈઝૅવેટ પર ૪ ટકા સેસ લેખે ૩.૮૩ રૂપિયા રૂપિયા લેવામાં આવે છે... અને ૨.૨૦ રૂપિયા ફિકસ માર્જિન બાદ ૪૬ રૂપિયાના ડીઝલના ૧૦૧ રૂપિયા ભાવ થાય છે...

એટલે કે ડીઝલના ભાવનું ગણિત જોઈએ તો ૪૬.૬૯ રૂપિયા+ ૧.૮૦ રૂપિયા +૮ રૂપિયા+ ૪ રૂપિયા+ ૧૮ રૂપિયા+ ૧૭.૧૨ રૂપિયા+ ૩.૮૩ રૂપિયા+ ૨.૨૦ રૂપિયા ઉમેરાઈને સીધા ૧૦૧.૬૩ રૂપિયા થાય છે.

(3:44 pm IST)