Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કાનપુરમાં જીકા વાયરસનો પહેલો કેસ

આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર

કાનપુરઃ કાનપુરમાં જીકા વાયરસનો પહેલો કેસ મળ્યો છે જે ઉત્તર પ્રદેશમાં પણ જીકા વાયરસનો પહેલો કેસ છે. ભારતીય વાયુ સેનાના એક સ્ટાફને જીકા સંક્રમણ થયું હોવાની પુષ્ટી કરાઇ છે અને એરફોર્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. છેલ્લા ૧૦ દિવસથી તેની સારવાર આ હોસ્પિટલમાં ચાલી રહી હતી અને જીકા જેવા લક્ષણો દેખાતા હોસ્પિટલ પ્રશાસને તેનું સેમ્પલ પૂણેની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યું હતું. તપાસમાં તે જીકા વાયરસ પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.

કાનપુરના ચીફ મેડીકલ ઓફીસરે જણાવ્યું કે જીકા વાયરસની પુષ્ટીની સૂચના પછી આ દર્દીના ઘરના એક કિલોમીટરના  વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. એલર્ટ મોડમાં કામ કરતા રવિવારે પહેલા દિવસે આરોગ્ય વિભાગની ૨૪ ટીમોએ ૩૦૦ ઘરમાં ૧૩૦૦ લોકોની તપાસ કરી જેમાંથી ૧૧૨ લોકોને તાવના લક્ષણ મળ્યા છે. શવિારે પણ આ એરફોર્સ કર્મચારીના સંપર્કમાં આવેલ ૨૪ લોકોના સેમ્પલ મોકલી અપાયા હતા. કાનપુર કોર્પોરેશને આખા વિસ્તારમાં રવિવારે સાફ સફાઇ, એન્ટી લાર્વાનો છંટકાવ અને ફોગીંગ  કર્યુ હતું.(૨૩.૨૮)

શું છે જીકા વાયરસ

. જીકા વાયરસનું સંક્રમણ એડીસ ઇજીપ્તી મચ્છરથી પણ થાય છે. આ મચ્છર ડેંગ્યુ અને ચીકનગુનીયા પણ ફેલાવે છે.

. સંક્રમિત દર્દી સાથે સંબંધ બાંધવાથી સ્વસ્થ વ્યકિતમાં પણ તે ફેલાવે છે.

.જીકા વાયરસથી સંક્રમિત થવાનું સૌથી વધારે જોખમ ગર્ભવતી મહિલાઓને હોય છે.

. પહેલીવાર જીકા વાયરસ પ્રશાંત મહાસાગરના યાપ ટાપુ પર ૨૦૦૭માં જોવા મળ્યો હતો. ત્યારપછી  તે બ્રાઝીલ, અમેરિકા અને એશીયામાં ફેલાયો હતો.

. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર આ એક ન્યુરોજીકલ ડીસ્ઓર્ડર છે જે માનવોમાં લકવા અને મોતનું કારણ બની શકે છે.

(2:44 pm IST)