Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

લીંબડીના પાંચિયા દાદાને દારૂનો ભોગ ચડાવવાથી દારૂની લતમાંથી મુકિત મળે છે

ગુજરાત જ નહીં મહરાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોના રહેવાસીઓ પણ અહીં માનતા માટે આવે છે : કહેવાય છે કે ઝેરનું મારણ ઝેર તેમ દારૂની લતનું મારણ દારૂ તેવી આશા સાથે શ્રધ્ધાળુઓ આવે છે

નવી દિલ્હી,તા. ૨૫: તમે એક કહેવાત સાંભળી હશે કે ઝેરનું મારણ ઝેર હોય છે પરંતુ કયારેય એવું સાંભળ્યું છે કે દારુ જ દારુનું વ્યસન છોડાવે છે? તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ સુરેન્દ્રનગરના લિમડી તાલુકાા ઘાઘરેટિયા ગામમાં આવેલા પાંચિયા દાદાના મંદિરમાં ઠેર ઠેરથી લોકો આવીને પોતાના સ્નેહીજનને દારુની લતમાંથી છોડાવવા માટે મંદિરમાં ભગવાનને દારુનો ભોગ ચડાવે છે. ગુજરાત આમ તો ૧૯૬૦માં તેની રચના સાથે જ ડ્રાય સ્ટેટ રહ્યું છે જોકે ઘાઘરેટિયામાં આવેલા મોમાઈ માતાજીના મંદિરના પ્રાંગણમાં આવેલી આ દેરીમાં દારુનો ભોગ ચડાવીને પોતાના સ્નેહીજનને આ બદીમાંથી મુકત કરાવવાની આશા લઈને એકલા ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજયોમાંથી પણ શ્રદ્ઘાળુઓ આવે છે. તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

અહીં આવતા શ્રદ્ઘાળુઓ દેશી દારુનો ભોગ ભગવાનને ચડાવે છે જયારે કેટલાક લોકો ભારતીય બનાવટનો વિદેશી દારુ પણ ચડાવે છે. ગામની ન્યાય સમિતિની ચેરમેન મનુ ચૌહાણે કહ્યું કે તાજેતરમાં જ એક મુંબઈના વ્યકિત ભગવાનને ચડાવવા માટે વાઈનની બોટલ લઈ આવ્યા હતા. ગામના સરપંચ શામત ભરવાડે કહ્યું કે 'અમારૃં ગામ પાંચિયા દાદાના ચમત્કારને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. બીજા જિલ્લાના જ નહીં બીજા રાજયોમાંથી પણ શ્રદ્ઘાળુઓ અહીં દર્શન કરવા આવે છે અને પોતાના પરિવારજનો તેમજ સ્નેહીજનોને લાગેલી દારુની લત છોડાવવા માટે અહીં ભગવાને દારુનો ભોગ ચડાવે છે.' તેમણે ઉમેર્યું છે, 'લોકો એક સદીથી વધુ સમયથી આ મંદિરની મુલાકાત લેતા આવ્યા છે. મારા દાદાને પણ યાદ નથી કે પરંપરા કયારે શરૂ થઈ. તે બધું એક પૌરાણિક કથાથી શરૂ થયું કે એક સંતે દૈવી શકિતઓ દ્વારા લોકોને દારૂના વ્યસન સામે લડવામાં મદદ કરી. બાદમાં, તેમના માનમાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. જો કે, આનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી.'

નોંધનીય છે કે આ રાજયનું આ એકમાત્ર મંદિર નથી જયાં દેવી-દેવતાઓને દારૂ ચઢાવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં, સ્થાનિકો મણિનગરમાં આવેલ ભગવાન ભૈરવનાથના મંદિરમાં અને નરોડામાં દેવી મેલડીના મંદિરમાં પણ દારુનો ભોગ ચડાવે છે. ખેડા જિલ્લાના દાવડા ગામમાં ભાથીજી મહારાજ મંદિર અને કચ્છના ભુજ શહેરમાં આવેલા કાલ ભૈરવ મંદિરમાં પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. જો કે, દારૂબંધીના કડક કાયદા લાગુ થયા બાદ આ સ્થળોએ શ્રદ્ઘાળુઓની સંખ્યા લગભગ દ્યટીને શૂન્ય થઈ ગઈ છે. પાંચિયા દાદાનું મંદિરે આસ્થા સાથે શ્રદ્ઘાળુઓને આકરર્ષવાનું ચાલુ રાખ્યું છે કારણ કે અહીં લોકો તેમની ક્ષમતા મુજબ 'કવારટરિયા'થી લઈને 'ખંભા'સુધી દારૂનો ભોગ ચડાવી શકે છે.

આઇએમએફએલની બોટલ અને દેશી દારૂ ધરાવતી પોલીથીન બેગ મંદિર પરિસરની આસપાસ પથરાયેલી જોવા મળે છે પરંતુ ગામને કયારેય પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો નથી. આ અંગે સરપંચ ભરવાડ સમજાવે છે, 'અમે એ વાત સુનિશ્ચિત કરીએ છીએ કે ગામમાં દારુ ન તો વેચવામાં આવે કે ન પીવામાં આવે. જેથી કોઈને કોઈપણ પ્રકારે કાયદાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે.' ગામલોકો સુનિશ્યિત કરે છે કે મંદિરમાં ચઢાવવામાં આવતો દારૂ ન તો ચોરાય છે અને ન તો કોઈને આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે 'બોટલ પરના સ્ટોપર્સ દૂર કરવામાં આવે છે અને જેથી દારુ બાષ્પીભવન થઈ જાય છે.'

રાજયમાં દારૂની હેરાફેરી કે કબજો મેળવવો એ પણ ગુનો હોવાથી તેમને પોલીસની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ભરવાડે કહ્યું કે 'ભગવાનની બાબતમાં તેઓ શું કરી શકે?' ત્યાર બાદ એક ઘટનાને યાદ કરતા ચૌહાણ કહે છે, 'લગભગ બે વર્ષ પહેલા, પોલીસની એક ટીમે મંદિર પર દરોડો પાડ્યો હતો અને એક પોલીસકર્મીએ ભગવાનને ધરેરી દારૂની બોટલ તોડી નાખી હતી. સ્થાનિક માન્યતાઓ અનુસાર આ એક મોટો અપરાધ હતો જેની ભગવાને ના પાડી છે અને બીજા જ દિવસે તે વ્યકિતને એક અકસ્માત થયો જેમાં તેનો હાથ ફ્રેકચર થયો હતો. બાદમાં, તે મંદિરે આવ્યો અને પોતે કરેલી ભૂલ માટે માફી માગતા ભગવાનને દારુની બોટલ ધરી હતી.

તેઓ ઉમેરે છે કે ભકતો દારૂની સાથે ભગવાનને ચવાણુ અને નટ્સ પણ ભગવાનને ધરે છે. મંદિરમાં દારૂ ચઢાવનારા મુંબઈના એક રહેવાસીએ નામ ન આપવાની શરતે કહ્યું, 'મારો મોટો દીકરો દારૂનો વ્યસની બની ગયા પછી એક સંબંધીએ મને આ મંદિર વિશે જાણકારી આપી અને હું ગયા મહિને જ દેશી બનાવટના વિદેશી દારુની બોટલ લઈને ભગવાને ભોગ ચઢાવી આવ્યો છું અને હવે તેમની કૃપાથી મારા દીકરાનું વ્યસન છૂટી જાય તેવી આશા રાખી રહ્યો છું. તેવી જ રીતે લીંબડી તાલુકાના અન્ય એક ગામની રહેવાસી સવિતા હલમતિયાએ જણાવ્યું હતું કે, ઙ્કમારા પતિને દારૂની લત હોવાથી મેં ભગવાનને દારુનો ભોગ ચડાવ્યો હતો. જયારે મારા પતિને તેની જાણ થઈ ત્યારે તેમણે ભગવાનના ક્રોધના ડરથી દારૂ પીવાનું જ છોડી દીધું હતું. આનાથી વિશેષ મારે બીજુ શું જોઈએ.

(10:29 am IST)