Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગૃહમંત્રી શાહની સાદગીએ જીત્યા દિલઃ સરહદે પાસે રહેનારા આ વ્યકિતને પોતાનો નંબર આપી કહ્યું: જયારે ઈચ્છો ત્યારે કરજો ફોન

અમિતભાઇ શાહે લોકો સાથે ચા પીધી અને લોકો સાથે ઘણીવાર સુધી ખાટલે બેસી એકદમ સહજ અંદાજમાં વાતચીત કરી

જમ્મુ, તા.૨૫ : ગૃહમંત્રી અમિત શાહ તેમના જમ્મુ અને કાશ્મીર પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકોની નીકટ આવતા જોવા મળ્યા. ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે શાહ આ કેન્દ્રશાસિત પ્રદેશની શિયાળુ રાજધાની પહોંચ્યા. રવિવારે સાંજે તેઓ આરએસપુરા સેકટરમાં ભારત-પાકિસ્તાન સરહદે પણ ગયા. જમ્મુ નજીકના મકવાલમાં તેમણે બીએસએફ પોસ્ટ પર જઈને જવાનો સાથે વાતચીત કરી અને ત્યાંના સ્થાનિકો સાથે સમય પસાર કર્યો.

ગૃહમંત્રી અમિતભાઇ શાહે મકવાલમાં એક સ્થાનિક નાગરિકનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો. એટલું જ નહીં તેમણે પોતાનો નંબર પણ આપ્યો અને કહ્યું કે તેમને જયારે પણ જરૃરી લાગે ત્યારે તેઓ ફોન કરી શકે છે. અમિત શાહે લોકો સાથે ચા પીધી અને લોકો  સાથે દ્યણીવાર સુધી ખાટલે બેસી એકદમ સહજ અંદાજમાં વાતચીત કરી.

આ અગાઉ જમ્મુના ભગવતી નગરમાં એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરકારનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવાનો અને નાગરિકોની હત્યાઓ પર રોક લગાવવાનો છે. તેમણે કહ્યું કે કોઈને પણ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને વિકાસમાં વિઘ્ન પાડવા દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ૧૨૦૦૦ કરોડ રૃપિયાનું રોકાણ થઈ ચૂકયું છે અને સરકારનો હેતુ ૨૦૨૨ના અંત સુધીમાં કુલ ૫૧,૦૦૦ કરોડ રૃપિયાનું રોકાણ લાવવાનો છે.

ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું કે કેન્દ્ર સરકારના પ્રયત્નોના કારણે સ્થાનિક યુવાઓને પાંચ લાખ નોકરીઓ મળશે. અત્રે જણાવવાનું કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રાજયનો વિશેષ દરજ્જો સમાપ્ત કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાગલા પાડવાના કેન્દ્રના નિર્ણય બાદ અમિતભાઇ શાહ પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. શાહની કોશિશ સ્થાનિકો સાથે સંવાદ પર ભાર મૂકવાની છે અને લોકોના મનમાંથી ભય દૂર કરવાની છે.

(10:00 am IST)