Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

દેશમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો નોંધાયો

કોરોના સામેના જંગમાં ભારતને મોટી સફળતા : ૭૦,૭૮,૧૨૩ લોકો સાજા થવાની સાથે જ સંક્રમણમાંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને ૯૦ ટકા થઈ ગયો છે

નવી દિલ્હી. તા. ૨૫ : ભારતે કોરોના વાયરસ સામેની લડાઈમાં એક મોટી સફળતા મેળવી છે. દેશમાં દર્દીઓની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. તો દર્દીઓનો રિકવરી રેટ નવા દર્દીઓ કરતા વધારે છે. દેશમાં કોવિડ-૧૯માંથી ૭૦,૭૮,૧૨૩ સાજા થવાની સાથે જ સંક્રમણમાંથી બહાર આવવાનો રાષ્ટ્રીય દર વધીને ૯૦ ટકા થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૬૨,૦૭૭ વધુ લોકો આ મહામારીમાંથી સાજા થયા, જ્યારે આ ગાળામાં સંક્રમણના ૫૦,૧૨૯ નવા મામલા સામે આવ્યા. હાલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યાની સરખામણીએ સ્વસ્થ્ય થયેલા લોકોની સંખ્યા ૬૪,૦૯,૯૬૯ વધુ છે.

છેલ્લા એક સપ્તાહથી સતત એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે, આ આંકડો ૨ ઓક્ટોબર કરતા ૧,૧૦૦ ઓછો છે. દેશમાં હાલમાં ૬,૬૮,૧૫૪ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે, જે કેટલાક મામલામાં ૮.૫૦ ટકા છે. દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો- મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં સાજા થયેલા કેસોમાંથી ૭૫ ટકા મામલા નોંધાયા છે.

મંત્રાલયે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૧૦ હજારથી વધુ લોકો સાજા થયા છે. કોવિડ-૧૯ સંક્રમણના ૫૦,૧૨૯ નવા કેસોમાંથી ૭૯ ટકા આ દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ ૮ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં ૬ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯થી ૫૭૮ લોકોના મોત થયા છે. તેમાંથી લગભગ ૮૦ ટકા આ ૧૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૩૭ લોકોના મોત થયા છે. મંત્રાલયના સવારના ૮ વાગ્યાના આંકડા મુજબ, ભારતમાં ૫૦,૧૨૯ નવા દર્દીઓ પછી કુલ કેસોની સંખ્યા વધીને ૭૮,૬૪,૮૧૧ થઈ ગયા છે, જ્યારે મૃતકોનો આંકડો ૧,૧૮,૫૩૪ થઈ ગયા છે.

(9:41 pm IST)