Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ગિરનાર રોપ-વે કિશાન સૂર્યોદય યોજનાનું નરેન્દ્રભાઇ-વિજયભાઇના હસ્તે લોકાર્પણ

બન્ને યોજનાથી સોરઠમાં સુવર્ણ સૂર્યોદયઃ રોપ-વેમાં ગિરનાર ઉપર પહોંચીને વિજયભાઇ સહીતનાએ અંબાજી માતાજીના દર્શન કર્યાઃ લીયો રિસોર્ટનું ઉદ્ઘાટન

જુનાગઢઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે સવારે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે તસ્વીરમાં રોપ-વેની ટ્રોલી તથા રોપ-વે સ્ટેશન નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા -જુનાગઢ)

વિજયભાઇ રૂપાણીનું જૂનાગઢમાં સન્માન : સોશ્યલ ડિસ્ટન્સનું કાર્યક્રમમાં પાલનઃ જૂનાગઢ : જૂનાગઢ ખાતે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગિરનાર રોપ-વે તથા ખેડૂતોલક્ષી યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું જૂનાગઢના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૨૪: કિસાન સુર્યોદય યોજના અને ગિરનાર રોપ-વે પ્રોજેકટનો આજે સવારે દિલ્હીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇ-શુભારંભ કરાવેલ. જે સાથે સોરઠમાં સુવર્ણ સુર્યોદયની શરૂઆત થઇ છે.

આ તકે જુનાગઢ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા.

પ્રધાનમંત્રીશ્રી મોદીએ બંન્ને યોજનાનો પ્રારંભ કરાવીને ખેડુતો અને સોરઠવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

કિસાન સુર્યોદય યોજના અને ગિરનાર રોપ-વે યોજનાનાં ઇ-લોન્ચીંગ પ્રસંગે જુનાગઢમાં પોલીસ તાલીમ મહા વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર શ્વેતા ટીવેટીયાએ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કરી કિસાની સુર્યોદય યોજનાની માહીતી આપી હતી.

પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ આ તકે પ્રાસંગીક પ્રવચન કરીને ગિરનાર રોપ-વે યોજના શરૂ થવાથી થનારા ફાયદા-લાભ અંગે જણાવેલ.

ઉર્જામંત્રી શ્રી સૌરભ પટેલે આ કાર્યક્રમમા઼ પ્રાસંગીક ઉદબોધન કરીને કિસાન સુર્યોદય યોજનાથી ખેડુતોને અવિરત વિજળી મળતી રહેશે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ વિભાગનાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ  પટેલ, શહેર પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી વગેરેએ મુખ્યમંત્રીશ્રી મોમેન્ટો આપી ભવ્ય સ્વાગત કર્યુ હતું.

પીટીસી ગ્રાઉન્ડ ખાતે આયોજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉદબોધન કરતા જણાવેલ કે કિસાન સુર્યોદય યોજના ખેડુતો માટે ક્રાંતીકારી યોજના સાબીત થશે અને હવે ખેડુતોને પાણી વાળવા માટે રાત-ઉજાગરા કરવા પડશે નહી.

મુખ્યમંત્રીએ ગિરનાર રોપ-વે યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ડ્રીમ પ્રોજેકટ હોવાનો ઉલ્લેખ કરીને જણાવેલ કે રોપ-વેના પરીણામે સોરઠ માટે સુર્વણ સમયનો શરૂઆત થઇ છે. ગિરના રોપવે શરૂ થવાથી પ્રવાસીઓ વધશે અને તેની સાથે આર્થિક વૃધ્ધિ પણ થશે ઉપરાંત ધંધા-રોજગાર-વેપાર પણ વધશે.

આ તકે પ્રધાનમંત્રીશ્રી મોદીના ઉદબોધનનું લાઇવ પ્રસારણ સૌએ નિહાળ્યું સાંભળ્યું હતું.

કાર્યક્રમમાં રાજયકક્ષાના પ્રવાસન મંત્રી વાસણભાઇ આહીર, વિભાવરીબેન દવે, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધીરૂભાઇ  ગોહેલ સહીતના આગેવાનો-પદાધિકારીઓ તેમજ કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, ડીઆઇજી મન્નીદરસિંઘ પવાર તેમજ પીજીવીસીએલના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમમાં આભાર દર્શન પીજીવીસીએલના ચીફ એન્જીનીયર જસ્મીન ગાંધીએ કર્યુ હતું. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શ્રી રૂપાણી સહીત મહાનુભાવો ભવનાથ તળેટી ખાતેથી રોપ-વેની સફર માણી ગિરનાર પર પહોંચ્યા હતા અને અંબાજી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા.આ તકે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ મુખ્યમંત્રીશ્રીને માતાજીની ચુંદડીની ભેટ આપી આશીષ પાઠવ્યા હતા.

ગિરનાર પરથી રોપ-વેમાં પરત ફરી મુખ્યમંત્રી શ્રી રૂપાણી, પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડા વગેરેએ જુનાગઢમાં ગિરનાર રોડ સ્થિત લીયો રીસોર્ટનું ઓપનીંગ કર્યુ હતું.આ તકે રીસોર્ટના પ્રણેતા પુર્વ ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, વિપુલ કોટેચા, પાર્થ કોટેચા, તથા શ્યામ કોટેચા વગેરેએ મુખ્યમંત્રીશ્રી સહીતના મહાનુભાવોને આવકાર્યા હતા.મુખ્યમંત્રીશ્રી રૂપાણીના જુનાગઢનાં આજના પ્રવાસ દરમ્યાન એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રોબેશ્નર આઇપીએસ વિશાખા ડબરલ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓ આર.બી.સોલંકી, આર.જે.ચોધરી, રાજદીપસિંહ ગોહીલ, શ્રી ભાટી, જે.એમ.વાળા, ઉપરાંત પોલીસ જવાનોએ સતત ખડે પગે રહીને સુરક્ષા બંદોબસ્ત જાળવ્યો હતો

ર૦૦૭માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ ગિરનાર રોપ-વેનું ખાતમુર્હુત કર્યા બાદ આજે વડાપ્રધાન તરીકે લોકાર્પણ કર્યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ :.. ગીરનાર રોપ-વેનું આજે નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પરંતુ ગીરનાર રોપવેની અનેક વિશેષતાઓ છે જે આગામી સમયમાં પ્રવાસીઓ  માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની શકે છે. ગીરનાર રોપ-વે એશિયાનો સૌથી લાંબો રોપ-વે છે એટલું જ નહીં એક જ કેબિનમાં ૮ યાત્રિક બેસી શકે તેવો આધુનિક ટેકનોલોજી સાથેનો સમગ્ર દેશમાં ગીરનાર રોપ-વે બનશે.

ર૦૦૭ ના વર્ષમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જ રોપ-વે શરૂ કરવાની યોજનાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું જે આજે ૧૩ વર્ષે પીએમ નરેન્દ્રભાઇ મોદી દ્વારા જ ઉદઘાટીત થઇને યોજના સાકાર થઇ છે. જો કે સૌપ્રથમ ગુજરાત પ્રવાસન નિગમે ૧૯૮પ માં રોપ-વે શરૂ કરવાની દરખાસ્ત જુનાગઢ કલેકટર મારફતે કરી હતી. તે પછી અનેક અવરોધો-સંઘર્ષ અને કોર્ટ કેસ વચ્ચે છેવટે આ યોજના પુર્ણ થઇ છે.

રૂ. ૧૩૦ કરોડની ગીરનાર રોપ-વે યોજના સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે. પપ૦૦ પગથીયા ચડીને માતા અંબાજીના દર્શન કરવા જતા યાત્રાળુએ હવે માત્ર આઠ મીનીટમાં રોપ-વે ના માધ્યમથી માતાજીના દર્શન કરી શકશે. રોપ-વે થકી જુનાગઢ, સાસણ, સતાધાર, તુલશીશ્યામ, સોમનાથ તેમજ દિવ સહિતના પ્રવાસન સ્થળોની ટુરીઝમ સર્કિટ બનશે. જૂનાગઢ ટુરીઝમનું હબ બનશે. આ બન્ને યોજનાના પ્રારંભથી સમગ્ર જૂનાગઢ ગીર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે.

(12:00 am IST)
  • નેસ્લે કંપની ભારતમાં જંગી રોકાણ કરશે : નેસ્લે ઈન્ડિયા કંપની આવતા ચાર વર્ષમાં તેના ઉત્પાદનને વેગ આપવા માટે ભારતમાં ૨૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. access_time 2:19 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST

  • ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી : સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે અવકાશ ક્ષેત્રે ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપી છે. access_time 2:20 pm IST