Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ટેસ્લાના વડા ઇલોન મસ્ક અને તેની ગર્લફ્રેન્ડ ગ્રાઇમ્સ ત્રણ વર્ષના ડેટિંગ પછી છૂટા પડયા

બ્રેક-અપ છતાં પણ મસ્ક અને ગ્રાઇમ્સની વચ્ચે કોઈ કડવાશ નથી. તેઓ તેમના એક વર્ષના બાળકના માબાપ તરીકે જારી રહેશે: ઇલોન મસ્ક

નવી દિલ્હીઃ ટેસ્લાના વડા ઇલોન મસ્ક અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રાઇમ્સ ત્રણ વર્ષના ડેટિંગ પછી છૂટા પડયા છે, એમ વિદેશી પ્રસારમાધ્યમોએ જણાવ્યું હતું. તેમની વચ્ચે ડેટિંગ 2018ના રોજ શરૂ થયું હતું. મસ્કે તેમના બ્રેક-અપના સમાચારો અંગે જણાવ્યું હતું કે હાલમાં તેઓ સેમી સેપરેટેડ છે.

આ બ્રેક-અપ છતાં પણ મસ્ક અને ગ્રાઇમ્સની વચ્ચે કોઈ કડવાશ નથી. તેઓ તેમના એક વર્ષના બાળકના માબાપ તરીકે જારી રહેશે. મસ્કે જણાવ્યું હતું કે અમે સેમી સેપરેટેડ છીએ, આમ છતાં પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે એકબીજાને નિયમિત રીતે મળતા રહીએ છીએ અને અમારા સંબંધો હજી પણ ઉષ્માસભર છે. તેમણે તેમના એક વર્ષના સંતાન બેબી એક્સના માબાપ તરીકે જારી રહેવાનો નિર્ણય લીધો છે.

મસ્કે ઉમેર્યુ હતું કે મારા સ્પેસએક્સના કામ અને ટેસ્લાના કારણે મારા માટે ટેક્સાસમાં રહેવું જરૃરી હતુ અને ત્યાંથી વિદેશ પ્રવાસ ખેડવા પડતા હતા. જ્યારે ગ્રાઇમ્સનું મુખ્ય કામ લોસ એન્જલ્સમાં હતું. તે હાલમાં તો મારી સાથે રહે છે અને બેબી એક્સ બાજુના રુમમાં છે.

મસ્ક અને ગ્રાઇમ્સ જુદા પડવાના અહેવાલ જાણીને તેમને ફોલો કરતા સોશિયલ મીડિયા યુઝર્સમાં નિરાશા જોવા મળી રહી છે. તેઓએ આ રીતે જુદા પડવા અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ઇલોન મસ્ક ઇલેકટ્રિક કાર ટેસ્લા અને સ્પેસ એક્સના પ્રણેતા છે. તેમણે તાજેતરમાં અંતરિક્ષમાં મોકલેલું યાન ત્રણ દિવસ અંતરિક્ષમાં પસાર કરીને પૃથ્વી પર પરત આવ્યું છે, જેને તેમની જબરજસ્ત સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે આ સફળતાની સાથે તેમના માટે જુદા પડવાના સમાચાર દુઃખદ છે.

(12:33 am IST)