Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અમેરિકાની નવી 'ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ' જાહેર : નવેમ્બરથી ફૂલી વેક્સિનેટેડ લોકોને પ્રવેશવાની મંજૂરી

ભારત જેવા દેશોમાંથી રસીકરણ કરાવનારા લોકો હવે અમેરિકા જઈ શકશે : અમેરિકાની મુલાકાત દરમિયાન તેમના વેક્સિનેશનનો પુરાવો બતાવવો પડશે

નવી દિલ્હી :અમેરિકાએ એક ‘ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ’ની જાહેરાત કરી છે. જે અંતર્ગત નવેમ્બરથી ફૂલી વેક્સિનેટેડ લોકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

અગાઉ અમેરિકાએ ભારત જેવા દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ લાદી દીધો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020 માં કોરોના મહામારીની શરૂઆતમાં વિદેશી મુસાફરોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે, ભારત જેવા દેશોમાંથી રસીકરણ કરાવનારા લોકો હવે અમેરિકા જઈ શકે છે. તેઓએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન તેમના વેક્સિનેશનનો પુરાવો બતાવવો પડશે.

વ્હાઇટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ કોઓર્ડિનેટર જેફ જાયન્ટ્સે વર્ચ્યુઅલ ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને કહ્યું, આજે અમે નવી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પ્રણાલીની જાહેરાત કરી રહ્યા છીએ. આ નવી સિસ્ટમમાં અમેરિકા આવતા મુસાફરોથી કોરોનાનો ફેલાવો અટકાવવા, અમેરિકનોને સુરક્ષિત કરવા અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે કડક પ્રોટોકોલનો સમાવેશ થાય છે.

જેફ જાયન્ટ્સે કહ્યું કે, અમેરિકાએ વિજ્ઞાન અને જાહેર આરોગ્યને તેના માર્ગદર્શક તરીકે રાખીને નવી આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્યવસ્થા વિકસાવી છે. તેનાથી દેશમાં અમેરિકનોની સુરક્ષા વધશે તેમજ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પણ સુરક્ષિત થશે. તેમણે કહ્યું, નવી આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્યવસ્થા હેઠળ ફ્લાઇટ્સ નવેમ્બરથી શરૂ થશે. અમેરિકા જનારા વિદેશી નાગરિકો માટે ફૂલી વેક્સિનેટેડ અને અમેરિકા જતા પહેલા વિમાનમાં બેસતા વેક્સિનેશનનો પુરાવો બતાવવો ફરજિયાત રહેશે.

ભારત, બ્રાઝિલ, યુકે, ચીન, ઈરાન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઇન નિયમો અને મુસાફરી પ્રતિબંધો અંગેના પ્રશ્નના જવાબમાં જાયન્ટ્સે જણાવ્યું હતું કે નવેમ્બરની શરૂઆતમાં અમેરિકા નવા અને સખ્ત વૈશ્વિક પ્રણાલી તરફ આગળ વધશે. આ સાથે જ તેને કહ્યું હતું કે, નાગરિકો ફૂલી વેક્સિનેટેડ હોવા જરૂરી રહેશે.

તેઓએ વેક્સિનેશનનો પુરાવો પણ બતાવવો પડશે. આ પછી, ટેસ્ટ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું પડશે. અન્ય સવાલના જવાબમાં કહ્યું હતું કે, તે સંપૂર્ણપણે યોગ્ય છે કે ફૂલી વેક્સિનેટેડ કરાયેલા મુસાફરોને ક્વોરેન્ટાઇનમાં જવાની જરૂર નથી.

(12:14 am IST)