Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે પહેલી મુલાકાતમાં એક કલાક ચર્ચા

પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનની મુલાકાતમાં સુમેળ જોવા મળ્યો : પીએમ મોદીની આ વ્હાઈટ હાઉસની ત્રીજી મુલાકાત

વોશિંગ્ટન, તા.૨૫ : પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે થયેલી પહેલી મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે સુમેળ જોવા મળ્યો હતો.

બંને નેતાઓ વચ્ચે એકાદ કલાક સુધી વાતચીત થઈ હતી અને બાઈડેને પોતાની ભવિષ્યવાણી યાદ અપાવતા કહ્યુ હતુ કે મેં ૨૦૦૬માં આગાહી કરી હતી કે, ૨૦૨૦ સુધી ભારત અને અમેરિકા એક બીજાની નિકટ આવશે.

બે વર્ષ બાદ ફરી એક વખત વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનુ ઉષ્માભેર સ્વાગત થયુ હતુ. બંને વચ્ચે મજાક પણ થઈ હતી. બાઈડને પીએમ મોદીના ખભા પર હાથ મુકીને ચેર ઓફર કરી હતી અને કહ્યુ હતુ કે, ખુરશી જેના પર હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે બેસતો હતો અને હવે તમે તેના પર બેસો.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, મને જે સન્માન અહીંયા આપવામાં આવ્યુ છે તેના પર ગર્વ છે. બંને નેતાઓ વચ્ચે વાતચીત દરમિયાન બોન્ડિંગ જોવા મળ્યુ હતુ.

પીએમ મોદીની વ્હાઈટ હાઉસની ત્રીજી મુલાકાત છે. પીએમ બન્યા બાદ તેઓ પહેલી વખત ૨૦૧૪માં અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે બરાક ઓબામા પ્રમુખ હતા. તેમના માનમાં યોજાયેલા ભોજન સમારોહના યજમાન જો બાઈડન હતા પણ તે વખતે નવરાત્રીનુ વ્રત હોવાથી પીએમ મોદીએ ભોજન નહોતુ કર્યુ ત્યારે તેના પર બાઈડેને તે વખત પણ મજાક કરી હતી.

(7:12 pm IST)