Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સોનુ સુદ હવે હૈદ્રાબાદમાં હોસ્પિટલ ખોલવા માગે છે

કોરોનામાં જરૂરિયાતમંદોના કેરટેકરનું પ્રશંસનીય કાર્ય : અભિનેતાએ ટેક્સ ચોરીના આક્ષેપો ફગાવી દેતા કહ્યું, સોનુ રહે કે ના રહે ગરીબોની સારવાર મફત થવી જોઈએ

નવી દિલ્હી, તા.૨૫ : કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા અભિનેતા સોનુ સુદ પર તાજેતરમાં આવકવેરા વિભાગે દરોડો પાડ્યો હતો અને તેમના પર ૧૮ કરોડ રૂપિયાની કર ચોરીનો આરોપ લગાવ્યો હતો. જોકે એક અખબાર સાથે મુલાકાતમાં સોનુ સુદે આરોપોને ફગાવી દીધા છે. અભિનેતાએ કહ્યુ હતુ કે, કોઈ પણ ફાઉન્ડેશનને તેને મળેલા ફંડનો એક વર્ષમાં ઉપયોગ કરવાનો હોય છે. જો ફંડનો  ઉપયોગ એક વર્ષમાં ના થાય તો તેનો ઉપયોગ કરવા માટે આગળ અપીલ થઈ શકે છે. મારા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ચાર પાંચ મહિનાથી ફંડ એકઠુ કરવાનુ શરૂ કરાયુ છે.

સોનુએ કહ્યુ હતુ કે, નિયમ પ્રમાણે મારી પાસે હજી ફંડનો ઉપયોગ કરવા માટે સાતેક મહિનાનો સમય છે. હું લોકોની અને મારી મહેનતની કમાણીને બરબાદ નથી કરી રહ્યો. હું જાહેરાતોમાં અભિનય કરીને જે પણ કમાણી કરૂ છું તેના ૨૫ ટકા અને ક્યારેક ૧૦૦ ટકા રકમ ફાઉન્ડેશનમાં જતી હોય છે. જો બ્રાન્ડ મને ડોનેશન આપે તો હું તેની જાહેરખબર મફતમાં કરૂ છું.

સોનુ સુદે કહ્યુ હતુ કે, હૈદ્રાબાદમાં હું એક હોસ્પિટલ ખોલવા માંગુ છું. મારી પાસે મદદ માંગનારા કેટલાક લોકોની સારવાર હૈદ્રાબાદમાં થઈ છે. જ્યાં હોસ્પિટલોની સુવિધા અલગ સ્તર પર છે. આગામી ૫૦ વર્ષની યોજના છે કે, સોનુ રહે કે ના રહે પણ ગરીબોની સારવાર હોસ્પિટલમાં મફત થવી જોઈએ. હોસ્પિટલના પ્રોજેક્ટ માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચુકયો છું. તેમણે કહ્યુ હતુ કે, હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાઓ અને મેડિકલ ફેસિલિટીથી સજ્જ હશે. અમે હાલમાં અનાથાલય અને સ્કૂલના પ્રોજેકટ પર તો કામ કરી રહ્યા છે.

(7:08 pm IST)