Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ

પતિ વિરૂધ્ધ અવારનવાર ખોટી ફરીયાદ કરવી એ ક્રુરતા કહેવાયઃ તેના આધાર પર છૂટાછેડા મળી શકે

ચંદીગઢ, તા.૨૫: પતિએ હેરાન કરવા પત્નિ દ્વારા અવારનવાર ખોટી ફરીયાદ કરવી એ ચોક્કસપણે પતિ પ્રત્યેની ક્રુરતા છે. જો ફરીયાદો ખોટી સાબિત થાય તો તે પતિ માટે છૂટાછેડા માંગવાનું નક્કર કારણ બની શકે. હાઇકોર્ટે ફેમીલી કોર્ટ દ્વારા અપાયેલ છુટાછેડાના હુકમને યોગ્ય ગણીને તેને પડકારતી અરજીને ફગાવી દેતા આ ચૂકાદો આપ્યો છે.

અરજદાર અને તેના પતિના લગ્ન ૨૦૧૨માં રોહતકમાં થયા હતા. લગ્ન પછીથી ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહેવાનું શરૂ થઇ ગયું હતું. પતિએ આરોપ મૂકયો કે પત્નિનું વર્તન તેના તથા તેના પરિવાર પ્રત્યે બરાબર નહોતું. બંને ગામડામાં રહેતા હતા અને ધીમેધીમે પત્નિએ એવા પ્રયાસો શરૂ કરી દીધા કે પરિવારથી અલગ થઇને શહેરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે. જયારે પરિવાર આ વાત પર સંમત ના થયો તો આખા પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી. ત્યાર પછી અરજદારના સસરા પક્ષે તેમનું અલગ ઘર વસાવવા રોહતકમાં ભાડાના મકાનની વ્યવસ્થા કરી આપી.

પત્નિના પરિવારવાળાઓની દખલથી બંનેનું જીવન નર્ક બની ગયું અને પતિએ જયારે આનો વિરોધ કર્યો તો પત્નિ વધુ ક્રુર બની ગઇ. ત્યારપછી ગુનાહિત ફરીયાદોનો સિલસિલો શરૂ થઇ ગયો અને પતિ સામે એક પછી એક ફરીયાદો આપવામાં આવી. પોલીસે બધી ફરીયાદોની તપાસ કરી પણ એક પણ ફરીયાદ કેસ દાખલ કરવા માટે વ્યાજબી ના લાગી પોલિસને.

હાઇકોર્ટે કહ્યું કે પત્નિએ લગ્ન પછી તરત પરિવારથી અલગ થવા ખોટી ફરીયાદોનો સહારો લીધો હતો. તેનો ઝઘડાળુ સ્વભાવ અને પતિ તથા સાસરિયાઓ પ્રત્યેનું તેનું વલણ નિશ્ચીતપણે ક્રૂરતાની શ્રેણીમાં આવે છે અને તે છૂટાછેડાનો આધાર બની શકે છે. એટલે રોહતકની ફેમીલી કોર્ટે આપેલ છૂટાછેડાનો ચૂકાદો  બરાબર છે અને તેમાં કોઇ ફેરફારની જરૂર નથી.

(3:01 pm IST)