Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯,૬૧૬ કેસ ૨૯૦ દર્દીઓના મોત

કોરોનાના નવા કેસમાં ૫.૬% નો ઘટાડોઃ હજુ પણ દેશમાં ૩ લાખ એકિટવ કેસ : કોરોના રસીના કુલ ૮૪,૮૯,૨૯,૧૬૦ ડોઝ આપવામાં આવ્યા

નવી દિલ્હી, તા.૨૫: દેશભરમાં કોરોના વાયરસના ૨૯ હજારથી વધુ કેસ  નોંધાયા છે. જો કે ગઈ કાલના આંકડા જોઈએ તો નવા કેસમાં ૫.૬ ટકાનો ઘટાડો થયો છે. ૨૪ કલાકમાં ૨૯૦ લોકોના કોરોનાથી મોત થયા છે. એક દિવસમાં કોરોના રસીના ૭૧ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૯,૬૧૬ કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના ૩,૦૧,૪૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૨૮,૦૪૬ દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૩,૨૮,૭૬,૩૧૯ પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાથી રિકવરીનો રેટ હાલ ૯૭.૭૮% છે.

દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૨૯૦ દર્દીઓના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૪,૪૬,૬૫૮ પર પહોંચી ગયો છે. જેમાંથી ૧૨૭ મોત કેરળમા નોંધાયા છે. નવા કેસની વાત કરીએ તો દેશભરમાં નોંધાયેલા કુલ કેસમાંથી ૧૭,૯૮૩ કેસ કેરળમાં નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૮૪,૮૯,૨૯,૧૬૦ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૭૧,૦૪,૦૫૧ ડોઝ છેલ્લા ૨૪ કલાકમાં અપાયા છે.

(11:41 am IST)