Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

યુનોમાં ઇમરાને 'મગરના આંસુ' સારતા ભારતે લબલબાવી નાખ્યા

પાકિસ્તાનના વડાપ્રધાને યુનોમાં ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો : ગિલાનીને શહીદ ગણાવ્યા : ભારતે આપ્યો જડબાતોડ જવાબ : પાકિસ્તાન લાદેન જેવાને શરણ આપે છે : પીઓકે તુરંત ખાલી કરો : જમ્મુ - કાશ્મીર - લડાખ ભારતનો જ ભાગ

વોશિંગ્ટન તા. ૨૫ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંયુકત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મામલે મગરના આંસુ સાર્યા હતા તેમણે આરોપ મૂકયો હતો કે, કાશ્મીરની ડેમોગ્રાફીમાં ભારત ફેરફાર ઇચ્છે છે. આ સિવાય તેમણે અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને શહીદ ગણાવ્યા હતા. પાકિસ્તાનનો પીએમએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર વિવાદના સમાધાનથી જ ભારત - પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાશે. પાક વડાપ્રધાને યુનોના મંચનો ઉપયોગ ભારત વિરૂધ્ધ પ્રચાર કરવા માટે કર્યો પરંતુ તેમનો દાવો ઉંધો પડી ગયો હતો. તેમણે કાશ્મીર મુદ્દો ઉછાળતા ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, પાકિસ્તાને હંમેશ યુનોના મંચનો દુરૂપયોગ કરતું આવ્યું છે. ભારતે કહ્યું છે કે તમે લાદેન જેવા ત્રાસવાદીને પંચાળો છો. હવે સમય આવી ગયો છે કે તમારે પીઓકે ખાલી કરી દેવું જોઇએ. ભારતે લાદેનનું નામ લઇને પાકિસ્તાનની પોલ ખોલી નાખી હતી. ભારત વતી યુનોમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા ડુબેએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી.

આજે સવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંયુકત રાષ્ટ્ર મહાસભા  (UNGA) માં કાશ્મીર પર મગરના આંસુ સાર્યા. ઈમરાન ખાને કહ્યું કે કાશ્મીરની ડેમોગ્રાફીમાં ભારત ફેરફાર કરવા માંગે છે. આ ઉપરાંત ઈમરાન ખાને અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને શહીદ ગણાવી નાખ્યા. પાકિસ્તાનના પીએમએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિવાદના સમાધાનથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાશે.

પોતાના ભાષણમાં ઈમરાન ખાને અમેરિકા ઉપર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનના મુદ્દે પાકિસ્તાનને વખોડનારા વિશ્લેષણ કરે. ૮૦ના દાયકામાં અમેરિકાએ અલ કાયદા જેવા મુજાહિદ્દીન સંગઠનોને ટ્રેનિંગ આપી હતી.

UNGA માં ઈમરાન ખાને ભારત વિરુદ્ઘ જુઠ્ઠાણું ફેલાવ્યું અને આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારત વિરુદ્ઘ પ્રોપગેન્ડા ફેલાવવાની કોશિશ કરી. સંયુકત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારત વિરૂદ્ઘ પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. પાકિસ્તાનમાં આતંકીઓ ખુલ્લેઆમ ઘૂમે છે. ઈમરાન ખાન લાદેનના ગુણગાન ગાય છે.

નોંધનીય છે કે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને જમ્મુ અને કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરથી ભારતીય સેના હટતા જ અફઘાનિસ્તાન જેવા હાલાત પેદા થશે. સાંસદે કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે અલ્પસંખ્યકો માટે સમૃદ્ઘિ અને સારી સુરક્ષા મળી છે.

ભારતે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તરફથી કાશ્મીરને લઈને કરેલા એક નિવેદનનો જવાબ આપ્યો. ભારતે શનિવારે સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનો ભાગ છે. સાથે જ ભારતે એકવાર ફરી પાકિસ્તાનના આતંકવાદ સમર્થક હોવાની વાત ઉઠાવી છે.

ભારતે કહ્યું કે આતંકવાદીઓને શરણ આપવી, મદદ કરવી અને સમર્થન કરવું પાકિસ્તાનના ઈતિહાસ અને નીતિઓમાં સામેલ છે. એ વાત પર ભાર મુકયો છે કે પાકિસ્તાને અયોગ્ય કબ્જામાં સામેલ ભાગ પણ ભારતનો ભાગ છે. ભારતે યૂએનમાં કહ્યું કે જમ્મુ- કાશ્મીર અને લદ્દાખ 'ભારતનો અભિન્ન અને અવિભાજય ભાગ હતા અને હંમેશા રહેશે.'

UNGA માં ભારતની પહેલી મહિલા સચિવ સ્નેહા દૂબેએ કહ્યું આજે પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી આતંકવાદની ઘટનાઓને યોગ્ય સાબિત કરવાનો પ્રયાસ કરતા સાંભળવા મળ્યા છે. આધુનિક દુનિયામાં આતંકવાદથી કેવી રીતે બચાવ સ્વીકાર્ય નથી. મહાસભામાં પાકિસ્તાનના પ્રમુખ ઈમરાન ખાને એક રિકોર્ડેડ મેસેજ ચલાવ્યો હતો. જયાં તે પોતાના ભાષણમાં ૧૩ વાર કાશ્મીરનો ઉલ્લેખ કરી રહ્યા છે અને હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જનાજાને લઈને જૂઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

UNGAના મંચ પરથી દુનિયાને જણાવ્યું કે ઓસામા બિન લાદેનને પાકિસ્તાને શરણ આપી હતી. આજે પણ પાકિસ્તાન નેતૃત્વ આતંકી લાદેનને 'શહીદ'ના રૂપમાં સન્માન આપે છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન પોતાના ઘરમાં આતંકવાદીઓને એ આશા સાથે પાળે છે કે પડોશી દેશોને નુકસાન પહોંચાડશે. ભારતે કહ્યું આપણે સાંભળીએ છીએ કે પાકિસ્તાન આતંકવાદનો શિકાર છે. આગ લગાવનાર પાકિસ્તાન પોતાને ફાયર ફાઈટર તરીકે દર્શાવે છે. પાકિસ્તાનના આ બેમુખને સમજવા બહું મુશ્કેલ છે. જે પોતાના અલ્પસંખ્યકોને રાજયના ઉચ્ચ પદોની આકાંક્ષાથી રોકે છે.

(10:54 am IST)