Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

હાઈડ્રામા બાદ ભારતની મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી વન ડેમાં 5 વિકેટથી પરાજય

છેલ્લા દડે ત્રણ રન કરવાના હતા પણ ભારતીય ફિલ્ડરે કેચ ઝડપી લીધા બાદ ઉજવણી કરી પરંતુ ઝુલન ગોસ્વામીએ નાંખેલા મેચનો આખરી બોલ થર્ડ અમ્પાયરે હાઈટના કારણે 'નો-બોલ' જાહેર કર્યો

મુંબઈ : ઝુલન ગોસ્વામીએ નાંખેલા મેચનો આખરી બોલ થર્ડ અમ્પાયરે હાઈટના કારણે 'નો-બોલ' જાહેર કરતાં સર્જાયેલા હાઈડ્રામા બાદ આખરે ભારતની મહિલા ટીમને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી વન ડેમાં પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયાને છેલ્લા બોલે ત્રણ રન કરવાના હતા, ત્યારે ઝુલન ગોસ્વામીએ નાંખેલા બોલ પર નિકોલા કારેયે સ્ટ્રોક ફટકારવાના પ્રયાસમાં કેચ ઉછાળ્યો હતો અને તે કેચ મીડવિકેટ પર ઝડપી લીધા બાદ ભારતીય ખેલાડીઓએ ઉજવણી શરૃ કરી દીધી હતી. જોકે થર્ડ અમ્પાયરે તેને નોબોલ જાહેર કરતાં મેચમાં ટ્વિસ્ટ આવ્યો હતો. જે પછીના ફ્રિહિટ બોલ પર કારેયે બે રન લેતા ટીમને જીત અપાવી હતી.

ઓસ્ટ્રેલિયાએ આ સાથે સળંગ ૨૬મી મેચ જીતી લીધી હતી. જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાની સળંગ ૨૫ વિજયની કૂચને અટકાવવાની ગોલ્ડન તક ગુમાવી હતી. ભારત સામે ૨૭૫ના ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો સ્કોર એક તબક્કે ચાર વિકેટે ૫૨ થઈ જતાં ભારતની જીતની આશા જન્મી હતી. જોકે કંગાળ ફિલ્ડિંગ તેમજ આખરી ઓવરમાં ઝુલનના બે નોબોલ બાદ ભારત હાર્યું હતુ.

બેથ મૂનીએ કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરતાં ૧૩૩ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે અણનમ ૧૨૫ રન કર્યા હતા. જ્યારે તાહિલા મેક્ગ્રાએ તેનો સાથ આપતાં ૭૭ બોલમાં ૭૪ રન કર્યા હતા. બંનેએ ૧૨૬ રનની ભાગીદારી કરી હતી. મેક્ગ્રા આઉટ થતાં કારેય જોડાઈ હતી. તેણે અને મૂનીએ અણનમ ૯૭ રનની ભાગીદારી કરી હતી. નિકોલા કારેય ૩૮ બોલમાં ૩૯ રને નોટઆઉટ રહી હતી. અગાઉ ભારતે સ્મૃતિ મંધાનાના ૮૬ તેમજ રિચા ઘોષના ૪૪ની મદદથી સાત વિકેટે ૨૭૪ રન કર્યા હતા.

(12:04 am IST)