Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ભારત-ચીન વિવાદ : મધ્યસ્થી થવાની ફરી વાર ટ્રમ્પની ઓફર

બંને દેશો વિવાદ ઉકેલી નાંખશે તેવી ટ્રમ્પને આશા : ચીન સાથેના વિવાદમાં અત્યાર સુધીમાં ટ્રમ્પ અને તેમની સરકારે ભારતનું દરેક મંચ ઉપર ખુલીને સમર્થન કર્યું છે

વોશિંગ્ટન, તા. ૨૫ : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઝઁપલાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારત અને ચીન હાલમાં ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ લાવવામાં સફળ થશે. આ સાથે ટ્રમ્પ બંને દેશો વચ્ચે મધ્યસ્થી બનવાની ઓફર આપવાનું ચુક્યા નહોતા. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, મને ખબર છે કે ચીન અને ભારત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.પણ મને આશા છે કે, બંને દેશો તેનો ઉકેલ લાવશે.જો અમે મદદ કરી શકીએ તેવુ હોય તો ચોક્કસ મદદ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પનુ નિવેદન એવા સમયે આવ્યુ છે

             જ્યારે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદનો ઉકેલ લાવવા માટે વાટાઘાટો યોજાઈ રહી છે.દરમિયાન અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનુ કહેવુ છે કે, ભારત નવા જહાજોના નિર્માણ અને ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવી રહ્યુ છે.પોતાના સહયોગી દેશો સાથે યુધ્ધાભ્યાસ વધારી રહ્યુ છે.જેનાથી હિન્દ મહાસાગરમાં ભારતને જહાજોની અવર જવર પર નજર રાખવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, ચીન સાથેના વિવાદમાં અત્યાર સુધીમાં ટ્રમ્પ અને તેમની સરકારે ભારતનુ ખુલીને સમર્થન કર્યુ છે.ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને તનાવ માટે જવાબદાર ઠેરવીને અમેરિકાના વિદેશ મંત્રી એકથી વધારે વખત નિવેદન પણ આપી ચુક્યા છે.

(9:41 pm IST)