Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

શાહીનબાગના દાદી બિલ્‍કીસબાનો કહે છે પીએમ મોદી મારા પુત્ર જેવા છે, તેમના લાંબા આયુષ્‍ય અને સ્‍વસ્‍થ જીવન માટે પ્રાર્થના કરૂં છું

નવી દિલ્હી: 'શાહીન બાગના દાદી'ના નામથી મશહૂર બિલ્કિસ બાનોને ટાઈમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન મળતા તેઓ ખુશખુશાલ થઈ ગયા છે. તેમણે પોતાની ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના પુત્ર ગણાવ્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદદર્શનનો મુખ્ય ચહેરો બનેલા 82 વર્ષના બિલ્કિસ બાનોએ કહ્યું કે PM મોદી તેમના પુત્ર જેવા છે અને તેઓ તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરે છે.

PM મોદી સહિત આ ભારતીયોને મળ્યું સ્થાન

ટાઈમ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ થવા બદલ બિલ્કિસ બાનોએ કહ્યું કે હું ખુબ જ ખુશ છું. જો કે મને તેને આશા નહતી. અત્રે જણાવવાનું કે ટાઈમ મેગેઝીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અભિનેતા આયુષ્યમાન ખુરાના, જીવવિજ્ઞાની રવિન્દ્ર ગુપ્તા, અલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઈ, તથા બિલ્કિસ બાનોને પણ પોતાની સૂચિમાં સામેલ કર્યા છે.

PM મોદીને પાઠવી શુભેચ્છા

બાનોએ વધુમાં કહ્યું કે "હું માત્ર કુરાન શરીફ ભણી છું, કોઈ શાળામાં ગઈ નથી. આજે હું ખુબ જ ખુશ અને ઉત્સાહિત છું. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ સૂચિમાં સામેલ થવા બદલ શુભેચ્છા પાઠવું છું. ભલે મે તેમને જન્મ નથી આપ્યો પરંતુ તેઓ મારા માટે પુત્ર જેવા છે. હું તેમના દીર્ઘ આયુ અને સ્વસ્થ જીવનની કામના કરું છું."

કોરોના ખતમ થવો જોઈએ

મૂળ ઉત્તર પ્રદેશના હાપુડના રહિશ બિલ્કિસ બાનો NRC -CAA વિરોધ પ્રદર્શનનો ચહેરો બનીને ઉભર્યા હતાં. તેમના પતિનું 11 વર્ષ પહેલા મોત થયુ છે અને તેઓ તેમની વહુ સાથે શાહીન બાગમાં રહે છે. કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડત અંગે પૂછવામાં આવતા બાનોએ કહ્યું કે આપણી પહેલી લડત કોરોના વાયરસ સામે છે. દુનિયામાંથી આ બીમારી  ખતમ થવી જોઈએ.

(5:20 pm IST)