Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-૨)

થોડા સમય પછી અમે બન્નેએ ઉત્તર દિશા તરફ ચાલવું શરૂ કર્યું. પહાડો પર ગોળ પરિક્રમા કરીને ચઢતાં હતાં અને તે રીતે ઉતરતાં પણ હતાં. પાંચ દિવસનાં પ્રવાસ પછી તેમનાં સ્થાન સુધી પહોંચ્યાં. ત્યાં સુધીમાં સાંજ થઈ ગઈ હતી. એક પહાડ ઉપરથી એક ઝરણુ વહેતું હતુ, તે ઝરણાની પાસેથી ગુરુદેવે નીચે ઉતરવું શરૂ કર્યું અને મેં પણ તેમની પાછળ પાછળ નીચે ઉતરવું શરૂ કર્યું. થોડું નીચે ઉતર્યા પછી એક નાનડડું જળાશય હતું. તેની પાસે તેમની ગુફા હતી. ઉપરથી જોઈએ તો તે ગુફા કદી જોઈ જ ન શકાય. અંદર ગયા પછી જોયું પહાડ ઉપરથી ગુફામાં એક એક ટીપું પાણી સતત ટપકતું હતુ અને એક જ સ્થાને વર્ષો સુધી પાણી ટપકવાનાં કારણે તે પથ્થરમાં પણ ખાડો પડી ગયો હતો અને તે ખાડાનાં પાણીનો પીવા માટે ઉપયોગ કરાતો હતો. ત્યાં પાણી વધી જવાથી વહીને બહારનાં જળાશયમાં એકઠું થતું હતું અને તે પાણી આગળ જઈને નીચે પડીને તે મોટા ઝરણાના પાણીમાં સામેલ થઈ જતું હતું. સામે બહુ જ સુંદર દ્રશ્ય હતું. ગુફાની બહા૨, જળાશયની સામે બેસો તો રોજ સવારે ઉગતો સૂર્ય દેખાતો હતો અને ગુફાની જમણી તરફ તે જળ પ્રપાત હતો. જયાં બહુ ઉપરથી પાણી જયારે નીચે પડતુ હતું જેનાથી દૂધ જેવા સફેદ ફીણનું નિર્માણ થતું હતું. ગુરુદેવ થોડા કંદમૂળ તોડીને લાવતા હતાં તેઓ જે આપતાં તે ખાતો હતો. પહેલાં આઠ દસ દિવસ તો તેઓએ મને ત્યાંની પ્રકૃતિ સાથે જોડાઈ જવાનું શીખવાડયું. તેઓ કહેતાં, 'આ ઝરણાનું પાણી વહે છે તેને જુઓ, ધ્યાનથી જુઓ અને જોતાં જ રહો તે એક નિશ્ચિત વ્યવસ્થાને આધીન વહે છે. તે પહેલાં કેમ પડે છે, પછી કેમ પડે છે અને પછી કયા ક્રમમાં પડે છે, તેનું એકાગ્રતાથી અધ્યયન કરો. તેમાં પ્રકૃતિ એક સંદેશ આપી રહી છે, તેને સમજો. તે પાણીનાં પ્રવાહમાં એક સમાન તાલ છે, તે તાલની ઉપર પોતાનું ચિત્ત રાખો અને ઝરણાના વહેવામાં એક સૂર છે, તેને ઓળખો. તે સંગીતને સાંભળો. તેનાં સંદેશને સાંભળો અને તે વહેતા પાણીનાં ઝરણાનાં અવાજને પોતાની અંદર અનુભવ કરો. તો તમને ઊંડાણમાં ઉતરવાથી લાગશે તે ઝરણુ અને પાણી બહાર નહિ, તમારી અંદર જ કયાંક વહે છે. તે અવાજનો તમારા મન ઉપર શું પ્રભાવ પડે છે, તે અનુભવ કરો. હવે વિચાર કરો, આ પાણીનુ ઉદ્ગમ કયાંથી થયું હશે અને આ પાણો કયા માર્ગેથી આવ્યું હશે? અને કયા કયા જંગલમાંથી આવ્યું હશે? હવે આ પાણી આગળ કયા કયા માર્ગેથી જશે? અને તેનું અંતિમ લક્ષ્ય શું છે? તો જણાશે, તેનું જ નહિ, પાણીનાં પ્રત્યેક ટીપાનું અંતિમ લક્ષ્ય સાગર જ છે. પ્રત્યેક ટીપાએ અંતે તો સમુદ્રમાં જઈને જ મળવાનું છે. હવે ધીરે ધીરે તે પાણીને તમે પીધું છે, એવું વિચારો અને તે પાણીનો સ્વાદ જાણવાનો પ્રયત્ન કરો અને તમને જણાશે કે પાણી પીધા વગર જ તમને પાણીનો સ્વાદ ખબર પડે છે.

હવે એવો વિચાર કરો કે તમે પાણીમાં કૂદી ગયા છો અને તે પાણીની અંદર કૃદીને તમે સ્નાન કરો છો. હવે પાણીનો સ્પર્શ અને પાણીનાં સાંનિધ્યનો પણ અનુભવ થવા લાગશે. હવે અનુભવ કરો તમને હવે કેવું લાગે છે. પાણીની અનુભૂતિને માથા ૫૨ અનુભવ કરો, ગળા પર અનુભવ કરો, છાતી પ૨ અનુભવ કરો, પેટ પ૨ અનુભવ કરો, પગ ૫૨ અનુભવ કરો અને અનુભવ કરો પાણી ઉપરથી શરીરમાં ઘુસીને નીચે પગનાં તળિયામાંથી નીકળી રહ્યું છે. આ રીતે ઘણાં દિવસ સુધી તેમણે મારું ચિત્ત તે પાણીનાં પ્રવાહ પર રાખ્યુ હતુ અને તે દિવસોમાં મેં અનુભવ્યું કે મને વિચાર આવતા બંધ થઈ ગયા છે. હું ધીરે ધીરે બાકીનાં જગતને ભૂલી ગયો અને એક પાણીનું ઝરણું જ મારું સંપૂર્ણ જગત બની ગયું અને આ ઝરણું વહેતું હતું. રોજ નવા નવા પાણીનાં કણની સાથે ચિત્તની એકાગ્રતા થવાથી ચિત્ત ધીરે ધીરે શુધ્ધ થતું જતું હતુ. અથવા એમ કહો કે ઝરણાના પાણીના સાંનિધ્યમાં ચિત્ત ધોવાતું હતું. ચિત્ત પણ દિન પ્રતિદિન શુધ્ધ, વધારે શુધ્ધ થઈ રહ્યું હતુ.

થોડા દિવસ પછી ગુરુદેવ જંગલમાં કંદમૂળ તોડવાં જતાં તો મને પણ સાથે લઈને જતાં. અલગ અલગ વૃક્ષો વિશે જાણકારી આપતાં હતાં. તે વૃક્ષની વિશેષતાઓ બતાવતાં હતાં. તેના ફળ વિશે કહેતાં હતાં. તે વૃક્ષનાં પાંદડા વિશે કહેતાં હતાં. તે પાંદડામાં શું ગુણ હતા તે કહેતાં હતાં. તેઓ શું કહેતાં હતાં તે મને કંઈ જ સમજાતું ન હતું. પરંતુ જયારે તેઓ કહેતાં તો એવું લાગતું કે જીવનભર તેઓ આ જ રીતે બોલતાં રહે, હું જીવનભર આ જ રીતે સાંભળતો રહું. તેમના બોલવામાં પણ એક તાલ હતો, નાદ હતો. જેમ કે મેં તે ઝરણામાં અનુભવ કરેલો, બસ, મનને ગમતું હતુ. ક્યારેક એવું લાગતું હતું, તેઓ જે બોલી રહ્યાં છે તે અને તેઓ જે બોલ્યા વગર કરી રહ્યાં છે, તે અલગ અલગ છે. એવું લાગતું હતું કે તેઓ વાતો કરવાનાં બહાને, વૃક્ષની જાણકારી આપવાનાં બહાને તેઓ મારું ચિત્ત સદેવ પોતાની ઉપર રાખતાં હતાં. તેઓ શું કરતાં હતાં, તે નિશ્ચિત કંઈ નથી કહી શકતો. બસ, તેમનું સાંનિધ્ય મારા મનને ગમતું હતુ. તેમની સાથે વૃક્ષોની જાણકારી લેવાનાં કારણે હું પ્રકૃતિની વધારે નજીક જઈ શકયો. પ્રકૃતિને વધારે સમજી શકયો. તેઓએ પ્રકૃતિના ચક્રનું રહસ્ય બતાવ્યું કે વૃક્ષ પોતાના મૂળમાંથી એક ઊર્જા ગ્રહણ કરે છે. તે ઊર્જાને અલગ અલગ મોટી શાખાઓમાં પહોંચાડે છે. મોટી શાખાઓ તે જીવન ઊર્જાશકિતને નાની શાખાઓ સુધી પહોંચાડે છે. નાની શાખાઓ તે ઊર્જાશકિતને મોટી ડાળીઓમાં પહોંચાડે છે. તે મોટી ડાળીઓ નાની ડાળીઓમાં તે પ્રાપ્ત ઊર્જાને પહોંચાડવાનું કાર્ય કરે છે

અને આ નાની ડાળીઓ તે ઊર્જાશકિતને પ્રાપ્ત કરીને એક નવી કળીને જન્મ આપે છે અને સતત પ્રાપ્ત થનારી જીવનશકિતના કારણે જ એક કળી વિકસિત થાય છે. એક કળી વિકસિત થઈને એક ફૂલ બની જાય છે અને તે ફૂલ પછી ફળ વિકસિત થાય છે.એક બાજુ આ રીતે ફળ વિકસિત થઈને બીજ પોતાના ઉત્કર્ષની ચરમસીમાએ પહોંચે છે અને બીજી બાજુ ફળને વિકસિત કરનાર નાની નાની ડાળીઓ, નાનાં નાનાં નવા કોમળ પાનને જન્મ આપે છે. તે કોમળ પાંદડાઓ લાલ સુદર રંગનાં હોય છે. આ પાંદડા મોટા થાય છે, વિકસિત થાય છે. ઘેરા લીલા રંગના થઈ જાય છે.આ પાંદડા થોડા સમય પછી પીળા થવા લાગે છે. પીળા થઈને જયારે તેઓ અનુભવે છે કે તેઓ હવે કોઈ કામનાં નથી રહ્યાં તો પાંદડા જાતે જ ખરી જાય છે. તેઓ ફોગટમાં ઝાડ ઉપર ભારરૂપ બનવા નથી માંગતા અને જયાં સુધી વૃક્ષને મદદ કરી શકે છે ત્યાં સુધી જ વૃક્ષ પ૨ લાગેલાં રહે છે. પછી વૃક્ષમાંથી ખરીને ફરી વૃક્ષનાં મૂળને પોતાનું અસ્તિત્વ સમર્ષિત કરી દે છે અને સમર્પિત કરેલાં અસ્તિત્વનાં કારણે જ તેમનું રૂપાંતરણ થઈ જાય છે અને તેઓ ખાતરનું કાર્ય કરે છે. એટલે વૃક્ષમાંથી અલગ થઈને પણ પોતાના અંતિમ શ્વાસ સુધી વૃક્ષનું સારું કરવા માટે વિચારે છે અને તેમ કરે પણ છે. વૃક્ષનો પ્રત્યેક ભાગ ઊર્જાને આગળ વધારવાનું કાર્ય કરે છે. કોઈપણ પોતાને પ્રાપ્ત ઊર્જાનો સંગ્રહ કરીને પોતાના સુધી સીમિત નથી રાખતા. હંમેશા પ્રાપ્ત ઊર્જાને અન્યને વહેંચવાનું કાર્ય કરે છે.

બરાબર તે જ રીતે એક સાધકે પણ ફકત માધ્યમ બનીને કાય કરવું જોઈએ. પરમાત્મા રૂપી વૃક્ષ સાથે જોડાયેલા હોવાનાં કારણે જીવનમાં જે કંઈ જ્ઞાન મળે છે, તે જ્ઞાન પોતાની સંપૃણ ક્ષમતા સાથે ગ્રહણ કરવું જોઈએ અને સંપૂર્ણ ગ્રહણ કરીને અન્યને વહેંચવું જોઈએ. કારણ, જે કંઈ જ્ઞાન મળ્યું છે તે વહેંચવા માટે જ છે. જ્ઞાન હંમેશા વહેંચવા માટે હોય છે. જ્ઞાન વહેંચવામાં જ જ્ઞાન ગ્રહણ કરવાની સાર્થકતા છે. જ્ઞાન વહેંચવાના કારણે જ હંમેશા આપણું ચિત્ત બીજાને આપવા તરફ હોય છે. આપણે હંમેશા દાતા રહીએ છીએ, યાચક નહિ.અને આ આપવાની ક્ષમતા જ આપણને વિકસિત કરે છે. પ્રત્યેક સાધકે પોતાને પરમાત્મારૂપી વૃક્ષની એક નાની ડાળી સમજવી જોઈએ અને વૃક્ષરૂપી પરમાત્મા પાસેથી જે કંઈ મળ્યું છે, તે વર્હેચવું જોઈએ. વહેંચવું જ સાચા અર્થમાં સાધકનું જીવન છે. જે વહેંચી રહ્યા છે તે જ સાચા અર્થમાં જોડાયેલા છે અને જે જોડાયેલા છે, તેઓ જ સાચા અર્થમાં જીવિત છે. (ક્રમશઃ... આવતા બુધવારે)

હિમાલયનો સમર્પણ યોગની રૂપરેખા (ભાગ-૧)

'હિમાલય સમર્પણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદ્ગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક પ્રવાસનું સ્વલિખિત વર્ણન છે. સ્વયંને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાન જનસમાજ સુધી પહોંચાડવાનો પૂ.ગુરૂદેવનો જીવન ઉદ્દેશ છે. આજ ઉદ્દેશની અંતર્ગત તેઓ પોતાના આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી રહ્યા છે. એક જીવંત સદ્ગુરૂ દ્વારા લખાઇ રહેલ આ એક જીવંત ગ્રંથ છે. જેના દ્વારા વર્તમાનની જ નહિ, પરંતુ આવનાર અનેક પેઢીઓ જીવંત અનુભૂતિ પ્રાપ્ત કરી શકશે. આત્મજ્ઞાનની શોધમાં ભટકતા આત્માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે.

ગ્રંથમાળા આ પ્રથમખંડમાં પૂે. ગુરૂદેવએ પોતાના પ્રથમ ગુરૂ શ્રી શિવબાબા પછીના ત્રણ ગુરૂઓ સાથેના સાધનાકાળનું વર્ણન કરેલું છે.

પ્રત્યેક ગુરૂએ પોતાના સાનિધ્યમાં પૂ. ગુરૂદેવ પાસે એક વિશિષ્ટ સાધના કરાવી અને આગળના ગુરૂ પાસે મોકલ્યા. પૂ. ગુરૂદેવે પ્રત્યેક ગુરૂ પ્રત્યે પૂર્ણ સમર્પિત થઇને તેમની પાસેથી તેમનું સમસ્ત જ્ઞાન અર્જીત કર્યું. આ ખંડ સાધકોને પૂ. ગુરૂદેવનેી શિષ્યકાળની નજીક લઇ જશે. જેના દ્વારા સાધક પૂ. ગુરૂદેવ દ્વારા એક નવી પ્રેરણા અને આત્મબળ પ્રાપ્ત કરી શકશે.

1)  Website: https://www.samarpanmediation.org

2)  Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)

3)  Website: https://www.bspmpl.com

     (for Literature (sahitya)) 

4)  Mobile App: “THE AURA” by bspmpl

             (For Android and iPhone)

(4:11 pm IST)