Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મોદી કેર સ્કીમ : પ્રથમ દિને ૧૦૦૦ દર્દીને ફાયદો થયો

છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડમાં લાભ લેવાયોઃ જમશેદપુર મહિલા યોજનાનો લાભ લેનાર પ્રથમ મહિલા બનીઃ ૪૦ લાખથી વધારે લોકોને મોદીએ પત્ર મળી ગયો

નવી દિલ્હી, તા.૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોંચ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પહેલા દિવસે એક હજારથી વધુ લોકોને લાભ મળ્યો હોવાના અહેવાલ મળ્યા છે. પહેલા જ દિવસે ૧૦૦૦ લોકોએ આ સ્કીમનો લાભ ઉઠાવ્યો છે જેમાં લાભ મેળવનાર મોટાભાગના લોકો છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, આસામ અને મધ્યપ્રદેશના છે. મોદીએ ઝારખંડના પાટનગર રાંચીમાં આની શરૂઆત કરી હતી અને પોતાના હાથથી પાંચ ગોલ્ડ કાર્ડના લાભાર્થીઓને આ સુવિધા આપી હતી. ત્યારબાદ જમશેદપુરના પશ્ચિમ સિંહહુમ હોસ્પિટલમાં ૨૨ વર્ષીય પૂનમે એક બાળકીને જન્મ આપ્યો હતો અને તે લાભ મેળવનાર પ્રથમ મહિલા બની હતી. ઝારખંડમાં યોજના શરૂ થયા બાદ કલાકોની અંદર જ રાંચી ઇસ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં ચાર દર્દી દાખલ કરાયા હતા. આ યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ લોકોને વર્ષમાં ૫ લાખ સુધીની આરોગ્ય સુવિધા મળનાર છે. આમાથી ૯૮ ટકા લાભાર્થીઓની ઓળખ કરી દેવામાં આવી છે. નેશનલ હેલ્થ એજન્સી વડાપ્રધાન તરફથી પત્ર દરેક લાભાર્થીઓને મોકલી રહી છે અને તેમને યોજનાની માહિતી આપી રહી છે. આ પત્રમાં ક્યુઆર કોડ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન તરફથી હજુ સુધી ૪૦ લાખ પત્રો મોકલવામાં આવી ચુક્યા છે. આ પત્રોને આરોગ્યમિત્રો અથવા તો શિક્ષિત થયેલા લોકો હોસ્પિટલમાં સ્કેન કરશે અને લાભાર્થીની ચકાસણી કરશે. આ યોજના ૩૦ રાજ્યોમાં ૪૪૫થી વધારે જિલ્લાઓમાં એક સાથે શરૂ કરવામાં આવી છે. આ સ્કીમની શરૂઆતની સાથે જ દેશના ૧૦૦૦૦ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગરીબો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ૧૦૦૦૦થી વધુ હોસ્પિટલોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે જે સરકારના પેનલમાં સામેલ રહેશે. મોદી કેર સ્કીમ આને ઘણા લોકો નામ આપે છે.

(7:31 pm IST)