Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કોલકત્તામાં ટ્રાફિક પોલીસે ૧૮ કિ.મી. લાં…બો ગ્રીન કોરિડોર બનાવીને દર્દીનો જીવ બચાવ્યોઃ પોલીસની મદદથી અેક કલાકનો રસ્‍તો ૧૭ મિનીટમાં કપાયો

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રાફિક પોલીસે 18 કીમી લાંબો ગ્રીન કૉરિડોર બનાવી એક દર્દીનો જીવ બચાવી લીધો. કોલકાતા ટ્રાફિક પોલીસે એક દર્દીના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે એરપોર્ટથી શહેરની એક પ્રાઈવેટ હોસ્પિટલ સુધી ગ્રીન કૉરિડોરનું નિર્માણ કર્યું. આ રસ્તે હૈદરાબાદથી લાવવામાં આવેલું હાર્ટ માત્ર 17 મિનિટમાં એરપોર્ટથી હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યું. જણાવાઈ રહ્યું છે કે, એરપોર્ટથી આનંદપુર સ્થિત હોસ્પિટલનું અંતર કાપવામાં સામાન્યપણે એક કલાક લાગી જતો હોય છે પણ પોલીસની મદદથી આ અંતર માત્ર 17 મિનિટમાં જ કાપી લેવાયું.

હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા કોલકાતાની ફોર્ટિસ હોસ્પિટલમાં સમીરન દત્તા નામના એક દર્દીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ભરતી કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગત શનિવાર ડૉક્ટર્સને જાણકારી મળી કે, આંધ્ર પ્રદેશમાં એક માર્ગ અકસ્માતમાં એસ.રામૂ નામના યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે અને તેનો પરિવાર રામૂનું હાર્ટ ડોનેટ કરવા માગે છે. હોસ્પિટલના ડૉક્ટર્સને આ જાણકારી મળ્યા બાદ રામૂના હાર્ટને કોલકાતા લાવવાની તૈયારી શરૂ કરવામાં આવી.

ત્યારબાદ સોમવારે એક વિમાન દ્વારા રામૂના હાર્ટને કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવ્યું. અહીં પહોંચવી કોલકાતા ટ્રાફિક પોલીસે હોસ્પિટલ માટે એક 18 કીમી લાંબો ગ્રીન કૉરિડોર બનાવ્યો, જેની મદદથી એક એમ્બ્યૂલન્સ હાર્ટને લઈ 17 મિનિટમાં હોસ્પિટલ પહોંચી ગઈ. બાદમાં સમીરન દત્તાની સર્જરી કરાઈ.

ડૉક્ટર્સ અનુસાર, સમીરન દત્તાની સર્જરી બાદ તેમને ડૉક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે. જણાવી દઈએ કે, પૂર્વ ભારતમાં અત્યાર સુધી બે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે. અગાઉ 21 મેના રોજ ઝારખંડના દિલચંદ સિંહ નામના એક વ્યક્તિનું હાર્ટ ટ્રાન્સપ્લાન કરવામાં આવ્યું હતું.

(4:48 pm IST)