Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

બેન્ક ઓફ બરોડા સાથેના મર્જરને દેના બેન્કના બોર્ડની મંજૂરી મળી

એકીકરણને પગલે બેન્ક એના કામકાજના વ્યાપને વિસ્તારી શકશે, શ્રેષ્ઠ પધ્ધતિઓ અપનાવી શકશે, અને એકીકરણની ખર્ચમાં ઘટાડો થશે, રિસ્ક મેનેજમેન્ટ સુધરશે અને વિસ્તરણ કરી શકાશે

નવી દિલ્હી તા. રપ :.. સરકારની માલીકીની દેના બેન્કના બોર્ડે સોમવારે બેન્ક ઓફ બરોડા અને અન્ય એક જાહેર ક્ષેત્રની બેન્ક વિજયા બેન્ક સાથેના મર્જરને મંજૂર કર્યુ હતું. આગલા સપ્તાહમાં સરકારે આ ત્રણે બેન્કના મર્જર દ્વારા અસ્કયામતો અને શાખાઓની દૃષ્ટિએ દેશની બીજા ક્રમાંકની સૌથી મોટી બેન્કની રચના કરવાની જાહેરાત કરી હતી.

બોર્ડે અમારી બેન્કના બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથેના એકીકરણ (અમેલ્ગમેશન) ને મંજૂર કર્યુ છે એમ દેના બેન્કે એકસચેન્જમાં કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું. અમારી બેન્કના બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથેના એકીકરણને પગલે એવી બેન્કનું સર્જન થશે જે કદની દૃષ્ટિએ ગ્લોબલ બેન્કો સામે ઊભી રહી શકશે અને અસરકારપણે સ્પર્ધા કરી શકશે એમ બેન્કે કહ્યું હતું. એકીકરણથી એવી બેન્ક સર્જાશે જે મજબુત હશે અને એકીકરણ બાદ નાણાકીય પીઠબળથી સજ્જ હશે. એકીકરણને પગલે બેન્ક એના કામકાજના વ્યાપને વિસ્તારી શકશે, શ્રેષ્ઠ પધ્ધતિઓ અપનાવી શકશે, અને એકીકરણની ખર્ચમાં ઘટાડો થશે, રિસ્ક મેનેજમેન્ટ સુધરશે અને વિસ્તરણ કરી શકાશે.

આ ત્રણે બેન્કના મર્જર બાદ જે બેન્ક સર્જાશે એ દેશની પ્રથમ ક્રમાંકની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પછીની સૌથી મોટી બેન્ક હશે. જૂન-ર૦૧૮ ના અંતે આ ત્રણ બેન્કનો સંયુકત વેપાર ૧૪.૮ર ટ્રિલ્યન રૂપિયાનો હતો. ગયા સપ્તાહમાં આ મર્જરની જાહેરાત કરતાં ફાઇનેન્શિયલ સેક્રેટરી રાજીવ કુમારે કહ્યું હતું કે દેના બેન્કનાં નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ રેશિયો પ.૭૧ ટકા થશે, જે જાહેર ક્ષેત્રની બેન્કોની ૧ર.૧૩ ની સરેરાશની તુલનાએ સારો એવો નીચો રહેશે.

એ જ પ્રમાણે પ્રોવિઝન કવરિંગ રેશિયો જેની સરેરાશ ૬૩.૭ ટકા છે એ ૬૭.પ ટકા રહેશે અને સંયુકત બેન્કનો ઇન્કમ ટુ કોસ્ટ રેશિયો પ૩.૯ર ની એવરેજ સામે ઘટીને ૪૮.૯૪ ટકા થશે. આ એકીકરણ શેર સ્વોપ સ્કીમ દ્વારા કરવામાં આવશે. આ મર્જર બાદ જાહેર ક્ષેત્રની બેન્કોની સંખ્યા ઘટીને ૧૯ ની થશે. (પ-૯)

(12:22 pm IST)