Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

દિવાળી પહેલા જ શેરબજારમાં બ્લૂ ચીપ કંપનીઓની સેલ પરંતુ રોકાણકારો દ્વિધામાં

પાંચ જ દિવસમાં સેન્સેકસમાં ૧૭૦૦ પોઇન્ટનો કડાકોઃ દરેક ઘટાડે તબક્કાવાર ખરીદી કરવા બજારના નિષ્ણાંતોનો મત

મુંબઇ તા. ૨૫ : સતત પાંચમા દિવસે બીએસઇ અને એનએસઇ ઇન્ડેકસમાં ઘટાડો આવતા સુરતના રોકાણકારોના જીવ અધ્ધર થઇ ગયા છે. દિવાળીના દોઢ મહિના પહેલાં જ શેરબજારમાં જાણીતી બ્લૂ ચીપ કંપનીઓમાં સેલ શરૂ થયું છે, પરંતુ બજારમાં ભારે અફરાતફરીનો માહોલ હોવાથી સુરતના રોકાણકારો હાલના તબક્કે શેરો ખરીદવા કે હજુ થોડી રાહ જોવી તેની દ્વિધામાં મુકાયા છે.

ભારતીય શેરબજારમાં આજે ૫૩૭ પોઇન્ટનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા પાંચ સેશનમાં બજારમાં ૧૭૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. શુક્રવારે સેન્સેકસમાં ૧૪૯૫ પોઇન્ટની ભારી ઉથલપાથલ જોવા મળી હતી. ગુરૂવારે ફયુચર એન્ડ ઓપ્શનની એકસપાયરી હોવાથી આગામી દિવસોમાં વોલેટાલિટી વધારે રહેવાની સંભાવના છે. એચડીએફસી લિમિટેડ, બજાજ ફાઇનાન્સ, એલઆઇસી હાઉસિંગ, મારુતિ, આઇસર મોટર્સ, મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર, ઇન્ડઇન્ડ બેક, ટાટા મોટર્સ જેવી બ્લૂ ચીપ કંપનીઓ બાવન સપ્તાહની ટોચથી સરેરાશ દસથી વીસ ટકા નીચા ભાવે મળી રહી છે. દિવાન હાઉસિંગ અને ઇન્ડિયા બુલ્સ હાઉસિંગના શેરોમાં શુક્રવારે ભારે પેનીક જોવા મળ્યા બાદ આજે હાઉસિંગ ફાઇનાન્સ સેકટરની અન્ય કંપનીઓમાં પેનીક જોવા મળ્યું હતંુ. આ પેનીકમાં લગડી જેવા શેરો ખરીદવા કે હજુ થોડી રાહ જોવી તે અંગે સ્થાનિક રોકાણકારો અસમંજસની સ્થિતિમાં છે. સેન્સેકસ ૩૮૭૦૦ હજારને પાર કરી ગયું ત્યારે રોકાણકારોને બજાર હજું ઉચા સ્તરોને પાર કરે તેવી આશા હતી, પંરતુ લાઇટાઇમ હાઇથી અઢી હજાર પોઇન્ટનો ઘટાડો થયા બાદ સુરતના રોકાણકારો શેર બ્રોકરો અને બજારના નિષ્ણાતોનો મત જાણી નવા રોકાણો અંગે નિર્ણય લઇ રહ્યા છે. બજારના નિષ્ણાંતો પણ સેન્સેકસ અને નિફટીના ચાર્ટ અને ફંડામેન્ટલનો બારાકાઈથી અભ્યાસ કરી રહ્યા છે.

કે.આર.ચોકસી સિકયુરિટીઝ સાથે સંકળાયેલા જાણીતા શેર બ્રોકર કેતન દલાલે જણાવ્યું હતું કે શેરબજારમાં હાલની નરમાઇ બોન્ડ માર્કેટને આભારી છે. બોન્ડ માર્કેટની લિકિવડિટીની મુશ્કેલી શેરબજારમાં આવી છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બજારમાં લિકિવડિટી પૂરી પાડવાની જાહેરાત કરી છે. ચોથી અને પાંચમી તારીખે રિઝર્વ બંેક ઓફ ઇન્ડિયાની પોલીસી મિટિંગ મળશે. રિઝર્વ બેંક બોન્ડ માર્કેટમાં પૂરતી લિકિવડિટી પૂરી પાડે તો ભારતીય બજારને વાંધો નહીં આવે. શેરબજારમાં ચાલી રહેલા ઘટાડામાં રોકાણકારોએ સારી સ્ક્રીપ્ટ તબક્કાવાર ખરીદવી જોઇએ. મંદીના સમયમાં ત્રણથી ચાર ટુકડામાં સારી કવોલિટીના શેરો ખરીદવા જોઇએ.(૨૧.૫)

(9:39 am IST)