Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કોર્ટમાં માલ્યા બોલ્યો - મને EDએ બેંકોનું દેવું ચૂકવવા ન દીધું!

માલ્યાને ભાગેડૂ આર્થિક અપરાધી ઘોષિત કરો : ઇડી

લંડન તા. ૨૫ : ભાગેડૂ દારૂના બિઝનેસમેન વિજય માલ્યાએ સોમવારે સ્પેશિયલ કોર્ટમાં કહ્યું કે, તે બેંકોનું દેવું ચૂકવવા માંગતો હતો પણ એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED)એ તેને આવું કરવા દીધું નહીં. અત્યારે માલ્યા યુકેમાં છે અને તેના પર બેંકો સાથે ૯ હજાર કરોડની છેતરપિંડીનો આરોપ છે. પોતાના વકીલના માધ્યમથી માલ્યાએ PMLA કોર્ટમાં જજ એમએસ આઝમીની સામે ઈડીની એક એપ્લિકેશનનો જવાબ આપી રહ્યો હતો. EDએ કોર્ટ પાસે માગણી કરી હતી કે, માલ્યાને ભાગેડૂ આર્થિક અપરાધી ઘોષિત કરવામાં આવે. માલ્યાએ પોતાના જવાબમાં કહ્યું કે, 'છેલ્લા ૨-૩ વર્ષથી અમે બેંકોનું દેવું ભરવાના પ્રયત્નો કરી રહ્યાં હતા. બેંકોને રૂપિયા પરત કરવાની પ્રક્રિયા શરૂ કર્યા બાદ પણ દરેક પગલે EDએ અડચણો પેદા કરી.'

માલ્યાએ EDની અરજી પર વાંધો ઉઠાવતા કહ્યું કે, તે પ્રત્યર્પણની પ્રક્રિયામાં સતત યુકે સરકારને સહકાર આપી રહ્યો છે અને કોર્ટનો પણ પૂરો સહયોગ કરી રહ્યો છે. માલ્યાના જવાબમાં એમ પણ કહેવામાં આવ્યું કે, EDની આ અરજી સંપત્ત્િ।ઓ જપ્ત કરવાના પ્રયત્નો જનતા તથા દેશના હિતની વિરુદ્ઘમાં છે. માલ્યાએ કહ્યું કે, 'આવી પરિસ્થિતિઓમાં એમ કહેવું તદ્દન અયોગ્ય છે કે, મેં ભારત આવવાની ના પાડી છે. હું જયાં રહું છું ત્યાંના કાયદાનો સાથ આપી રહ્યો છું. આવામાં મને ભાગેડૂ આર્થિક અપરાધી ઘોષિત ન કરવો જોઈએ.'

નોંધનીય છે કે, યુકેમાં માલ્યાના પ્રત્યર્પણની સુનવણી પૂરી થઈ ગઈ છે અને ૧૦ ડિસેમ્બરે તેના પર ચુકાદો આપવામાં આવશે. માલ્યાએ માંગણી કરી છે કે, યુકેમાં પ્રત્યર્પણ પર નિર્ણય આવે ત્યાં સુધી આ સુનવણી ટાળી દેવામાં આવે. આ દરમિયાન સોમવારે EDએ ઘણી પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલી અરજી પર પોતાનો પક્ષ રજૂ કર્યો. જજે કહ્યું કે, હસ્તક્ષેપ અરજી પર આદેશ બાદ માલ્યાને ભાગેડૂ ઘોષિત કરવાની અરજી પર સુનવણી થશે.(૨૧.૩)

(9:36 am IST)