Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અયોધ્યા કેસમાં મુસ્લિમોની અપીલ પર ૨૮મીએ ચુકાદો

સુપ્રીમના ચુકાદા પર મુસ્લિમ પક્ષકારોની નજર : અયોધ્યા કેસ સાથે સંબંધિત એક પાસાને બંધારણીય બેંચને મોકલવામાં આવે કે કેમ તે સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય થશે

નવી દિલ્હી, તા. ૨૪ : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા અયોધ્યા કેસ સાથે સંબંધિત એક પાસાને બંધારણીય બેંચને સોંપવામાં આવે કે કેમ તે સંદર્ભમાં ૨૮મી સપ્ટેમ્બરના દિવસે નિર્ણય કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં ચુકાદો આપવાની તૈયારી કરી લીધી છે. મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો આંતરિક હિસ્સો છે કે કેમ તેને લઇને નિર્ણય લેવામાં આવનાર છે. અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ છે. અયોધ્યાની જમીન કોની છે તેના ઉપર પણ સુનાવણી કરવામાં આવનાર છે. અલબત્ત આ મામલામાં એક મર્યાદિત પ્રશ્નને બંધારણીય બેંચને મોકલવામાં આવનાર છે. આના ઉપર ચુકાદો હાલમાં અનામત રાખવામાં આવ્યો છે. મુસ્લિમ પાર્ટી તરફથી એવી દલીલ આપવામાં આવી છે કે, ૧૯૯૪માં ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો અખંડ ભાગ છે. તેમણે કહ્યું હતું કે, આવા ચુકાદામાં ફરીથી નિરીક્ષણ કરવાની જરૂર રહેતી નથી. આજ કારણસર પહેલા મામલાને બંધારણીય બેંચમાં મોકલવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ આ મામલા અંગે નિર્ણય લેશે કે વર્ષ ૧૯૯૪ના સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચના ચુકાદાને ફરીથી બંધારણીય બેંચમાં મોકલવામાં આવે કે કેમ. આ મામલા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો હાલમાં અનામત રાખ્યો છે. મુસ્લિમ પાર્ટી તરફથી ધારદાર દલીલો કરવામાં આવ્યા બાદ ૨૮મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટ અતિમહત્વપૂર્ણ નિર્ણય કરનાર છે તેના ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઈ છે. અયોધ્યા કેસ સાથે સંબંધિત એક પાસાને બંધારણીય બેંચને મોકલવામાં આવે કે કેમ તે અંગે ફેંસલા પર હિન્દુ સમુદાયની સાથે સાથે મુસ્લિમ સમુદાયના લોકોની પણ ચાંપતી નજર કેન્દ્રીત થઇ ગઇ છે.

(12:00 am IST)