Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

રાષ્ટ્રવાદના નામે લોકોને પરેશાનીમાં મુકી દેવાયા

સરકાર પર પ્રિયંકા ગાંધીના પ્રહારો

નવી દિલ્હી, તા.૨૫ : જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલા ખાસ દરજ્જાને પરત ખેંચી લેવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારના નિર્ણયની સામે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાએ આજે ફરી એકવાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્ર વિરોધી પગલા લેવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીર પહોંચેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓને એરપોર્ટથી પરત મોકલી દેવામાં આવ્યા હતા. પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, કાશ્મીરમાં લોકશાહી અધિકારોને ખતમ કરવાથી વધારે રાજકીય રાજનીતિ અને રાષ્ટ્રવિરોધી ચીજો હોઈ શકે નહીં. તમામ લોકો જાણે છે કે,

         જમ્મુ કાશ્મીરમાં અનેક પ્રકારના નિયંત્રણો હેઠળ લોકોને મુકી દેવામાં આવ્યા છે. તમામ લોકો આની સામે અવાજ ઉઠાવે તે જરૂરી છે. વિડિયોના સંદર્ભમાં પ્રિયંકા ગાંધીએ વાત કરી છે. પ્રિયંકાનું કહેવું છે કે, અંકુશ ક્યાં સુધી રહેશે તે અંગે કોઇ વાત કરવામાં આવી રહી નથી. રાષ્ટ્રવાદના નામ ઉપર લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યાના ૨૦ દિવસ બાદ પણ શ્રીનગર પહોંચેલા વિપક્ષી દળોના પ્રતિનિધિમંડળને એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા છે. કોંગી તરફથી રાહુલ ગાંધી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા.

(8:11 pm IST)