Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

જમ્મુ કાશ્મીર : મોટાભાગ લેન્ડલાઈન સેવા શરૂ થઇ

જનજીવન વહેલીતકે સામાન્ય કરાશે : મલિક : જરૂરી વસ્તુઓ તેમજ દવાઓની કોઇ કમી નથી : ખાનગી ઇન્ટરનેટ સહિત મોબાઇલ સેવા હાલ પણ બંધ સ્થિતિમાં

શ્રીનગર, તા. ૨૫ : જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે લોકોને વિશ્વાસ આપતા કહ્યું છે કે, રાજ્યમાં જરૂરી દવાઓ અને ચીજવસ્તુઓની કોઇપણ કમી નથી. તેમણે કહ્યું હતું કે, આગામી ૧૦થી ૧૫ દિવસની અંદર લોકોનો અભિપ્રાય પણ સંપૂર્ણપણે બદલાઈ જશે. બીજી બાજુ કાશ્મીરમાં વહીવટી સ્થિતિ વધુ સુધરતા મોટા ભાગના વિસ્તારોમાં લેન્ડલાઈન ટેલિફોન સુવિધા ફરી શરૂ કરી દીધી છે. શનિવારથી ખીણમાં કોઇપણ પ્રકારની કોઇ અનિચ્છનીય ઘટના બની નથી. સ્થિતિને ધ્યાનમાં લઇને સંચાર સેવાઓમાં છુટછાટ આપવામાં આવી છે. રાજ્યપાલે કહ્યું હતું કે, કાશ્મીરમાં જરૂરી ચીજવસ્તુઓ અને દવાઓ પુરતા પ્રમાણમાં છે. બકરી ઇદના દિવસે લોકોને ઘર સુધી માંસ, શાકભાજી અને ઇંડા પહોંચાડવાના પ્રયાસો કરાયા હતા. ૧૦થી ૧૫ દિવસમાં જ વહીવટીતંત્ર અંગે લોકોનો અભિપ્રાય બદલાશે. રાજ્યપાલ મલિકે એમ પણ કહ્યું છે કે, માનવીય મૂલ્યો ખુબ મહત્વપૂર્ણ છે. નુકસાન ન થાય તે જરૂરી છે. ૧૦ દિવસ સુધી ટેલિફોન કરાશે નહીં તેવી વાત કરાઈ હતી પરંતુ અમે વહેલીતકે તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવા જઇ રહ્યા છે.

         શ્રીનગર સહિત તમામ જગ્યાઓ ઉપર લેન્ડલાઈન ટેલિફોન સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક સ્થળોને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં લેન્ડલાઈન સેવાઓ સંપૂર્ણ શરૂ થઇ ચુકી છે. લાલચોક અને પ્રેસ એન્કલેવમાં સેવાઓ હજુ પણ પ્રતિબંધિત છે. સરકારના પ્રવક્તા રોહિત કંસલે કહ્યું છે કે, અન્ય આઠ એક્સચેંજ જે હેઠળ ૫૩૦૦ લેન્ડલાઈન સેવા આવે છે તેને સપ્તાહની અંદર જ પુનઃ શરૂ કરી દેવામાં આવશે. બીએસએનએલ અને અન્ય ખાનગી ઇન્ટરનેટ સેવા સહિત મોબાઇલ ટેલિફોન સેવા અને ઇન્ટરનેટ સેવા હાલમાં બંધ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચમી ઓગસ્ટના દિવસે કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ મોટાભાગની સેવાઓને બંધ કરી હતી. કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીર અને લડાખને બે જુદા જુદા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.

       ત્યારબાદ આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાંથી પ્રતિબંધ દૂર કરવામાં આવી ચુક્યા છે પરંતુ કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે સુરક્ષા કર્મી હજુ પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં બજારો સતત ૨૧માં દિવસે પણ બંધ રહ્યા છે. દુકાનો અને વેપારી પેઢીઓ પણ બંધ છે. જાહેર વાહનો પણ માર્ગો ઉપર ઓછા દેખાઈ રહ્યા છે. સાપ્તાહિક બજારો પણ આજે બંધ રહ્યા હતા. શહેરમાં કેટલીક જગ્યાઓ ઉપર દુકાનો ખુલ્લી રહી હતી.

(8:08 pm IST)