Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

૧૧ સપ્ટેમ્બરે સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત કરાશે

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી : ૨૯મી ઓગસ્ટના દિવસે દેશમાં રાષ્ટ્ર ખેલ દિન પર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ લોંચ કરાશે : બે મોહનનો કરેલો ઉલ્લેખ

નવી દિલ્હી, તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ફરી એકવાર બે મોહનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, બે મોહન પૈકી એક ચક્રધારી શ્રીકૃષ્ણ છે જ્યારે બીજા મોહન ચરખાધારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે. મોદીએ કહ્યું હતું કે, બીજી અવધિમાં ત્રીજી વખત રેડિયો કાર્યક્રમ મારફતે વાત કરી રહ્યા છે ત્યારે ૧૧મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. સાથે સાથે મોદીએ ૨૯મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ખેલ દિવસ પર ફિટ ઇન્ડિયા મુુવમેન્ટ લોંચ કરવાની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, દેશના લોકો હાલના દિવસોમાં એકબાજુ વરસાદને લઇને આનંદ મેળવી રહ્યા છે. બીજી બાજુ ઉત્સવ અને મેળા ચાલી રહ્યા છે. ભારતભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ ચુકી છે. હજારો વર્ષો બાદ પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે જેનાથી કલ્પના કરી શકાય છે કે, શ્રીકૃષ્ણ કેવા પ્રકારના વ્યક્તિત્વ ધરાવતા હતા. હજારો વર્ષ જુના જીવનની યાદ આજે પણ તાજી થઇ જાય છે.

         મોદીએ કહ્યું હતું કે, દરેક વ્યક્તિ શ્રીકૃષ્ણના જીવનમાંથી સમસ્યાઓના સમાધાન શોધી શકે છે. કૃષ્ણ ક્યારેક રાસમાં તો ક્યારેક ગાયોની વચ્ચે ક્યારેક ખેલકૂદમાં, ક્યારેક સમાજશક્તિમાં, ક્યારેક મિત્રતામાં ડુબી જતાં હતા. યુદ્ધ ભૂમિમાં સારથીનું કામ પણ સ્વીકાર્યું હતું પરંતુ ન્યાયના માર્ગ ઉપર આગળ વધવા માટે તમામને પ્રેરણા આપતા રહ્યા હતા. યમુના અને દરિયાકાંઠા ઉપર આજે શ્રીકૃષ્ણની ધૂમ જોવા મળી રહી છે. મોદીએ સેવાભાવને લઇને વાત કરી હતી અને કહ્યું હતુંકે, દેશમાં સ્વચ્છતા અભિયાનને નવેસરથી આગળ વધારવાની જરૂર દેખાઈ રહી છે. જુના પુસ્તકો એકત્રિત કરીને ગરીબોમાં વહેંચી શકાય છે. આધુનિક યુગમાં અનેક કામો થઇ રહ્યા છે. ૧૩૦ કરોડ દેશવાસી છે. ૧૩૦ કરોડ ઉપક્રમ થઇ શકે છે. કોઇ શરત નથી. માત્ર ઇચ્છાશક્તિ, સદ્ભાવ અને પૂર્ણ સમર્પણ ભાવની જરૂર દેખાઈ રહી છે.

       મોદીએ પ્લાસ્ટિકથી મુક્તિના સંકલ્પને દોહરાવતા કહ્યું હતું કે, બીજી ઓક્ટોબરને વિશેષ દિવસ તરીકે મનાવવાની જરૂર છે. મહાત્મા ગાંધી જ્યંતિનો દિવસ વિશેષ શ્રમદાન દિવસ તરીકે રહેવો જોઇએ. દેશની તમામ નગરપાલિકા, નગરનિગમ, જિલ્લા વહીવટીતંત્ર, ગ્રામ પંચાયતો સરકારી અને બિન સરકારી સંસ્થાઓ અને દરેક વ્યક્તિને અપીલ છે કે, પ્લાસ્ટિક કચરાના કલેક્શન અને સ્ટોરેજ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

તમામ પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવે ત્યારે તેના યોગ્ય ઉકેલ માટે કોર્પોરેટ સેક્ટર આવે તે જરૂરી છે. આને રિસાયકલ કરવામાં આવી શકે છે. દિવાળી સુધી પ્લાસ્ટિક કચરાના સુરક્ષિત ઉકેલ માટે પૂર્ણ કાર્ય થઇ શકે છે. સંકલ્પ જરૂરી છે. પ્રેરણા માટે જુદી જુદી દિશામાં વિચારવાની જરૂર નથી. ગાંધીથી મોટી પ્રેરણા કોઇ જ હોઈ શકે નહીં. ટાઇગરની સંખ્યા બે ગણી કરવાના લક્ષ્યને પૂર્ણ કરવામાં સફળતા હાથ લાગી છે. ૨૯મી ઓગસ્ટને ઇન્ડિયા ફિટ મુવમેન્ટ તરીકે મનાવાશે.

(9:39 pm IST)