Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ઓહોહો આને કેદીની અન્‍નનળી કહેવાય કે પાઇપલાઇન !: દિલ્‍હીની તિહાર જેલના કેદી એક, બે નહિ ચાર-ચાર મોબાઇલ ગળી ગયો !! : એક મોબાઇલ અન્‍નનળીમાં ફસાતા ભાંડો ફુટ્યો

કેદીઓ જેલમાં મોબાઇલ લઇ જવા માટે કેવા-કેવા અખરતાઓ કરતા હોય છે તેનો વધુ એક કિસ્સા તિહાર જેલમાં નોંધાયો છે. તિહાર જેલમાં એક કેદીનાં પેટમાંથી મોબાઇલ મળ્યો છે.

તિહારમાં જેલ નંબર 4માં બંધ કેદીનાં પેટમાંથી ચાઇનાની કંપનીનો મોબાઇલ મળ્યો હતો. ડૉક્ટરોએ આ કેદીનાં પેટમાંથી મહામહેનતે મોબાઇલ કાઢ્યો હતો. આ મોબાઇલ કાઢવા માટે કેદીને ઊલટીઓ કરાવવી પડી હતી.

તિહાર જેલનાં અધિકારીઓ આ વાત જાણી ચોંકી ગયા હતા. મોબાઇલ સિવાય કેટલીય ઇલેક્ટ્રોનિકની આઇટમો જેલમાં ઘુસાડવામાં આવે છે.

ગયા અઠવાડિયે, એક કેદી ચાર મોબાઇલ ફોન ગળી ગયો હતો. ડૉક્ટરો કેદીનાં પેટમાંથી ત્રણ મોબાઇલ કાઢવામાં સફળ રહ્યા હતા પણ એક મોબાઇલ કેદીની અન્નનળીમાં ફસાઇ ગયો હતો. આ પછી ડૉક્ટરોએ સર્જરી કરીને તેના પેટમાંથી મોબાઇલ કાઢવો પડ્યો હતો.

છેલ્લા થોડા સમયથી તિહાર જેલનાં સતાવાળાઓ દ્વારા જેલમાં ઘુસાડવામાં આવતી વસ્તુઓ પર કડક બન્યા છે. થોડા સમય પહેલા જ નવા નિમાયેલા જેલનાં ડી.જી.પી સંદીપ ગોયલે જણાવ્યું હતું કે, જેલમાં મોબાઇલ ઘુંસાડતી ગેંગને વિખેરી નાંખવી એ તેમની પ્રાથમિક્તા છે.

આ પહેલા ઑગસ્ટ 16ના રોજ, જેલનાં વિપશ્યના વોર્ડમાંથી અત્યાધુનિક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. અહીંયા હાઇ-પ્રોફાઇલ કેદીઓને રાખવામાં આવ્યા છે.

(4:57 pm IST)