Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સુષમા સ્વરાજ પાસે કોઇ કામ નથી એટલે તેઓ વીઝા આપવાનાં કામ કરે છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના ચીફે લંડનમાં કહયું કે BJP-RSS લોકોમાં ભેદભાવ અને ધિક્કારની લાગણી ફેલાવવાનું કામ કરે છે

લંડન તા. રપ :.. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ બીજેપીની સરકાર પર ભેદભાવનું રાજકારણ ખેલવાના અને સત્તાના કેન્દ્રીકરણ ઉપરાંત વિદેશ મંત્રાલયની કામગીરીમાં દખલના આરોપો મૂકયા હતાં. લંડનમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (આઇઆઇએસએસ)ના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 'ભારતના વિદેશમંત્રાલય અને વિદેશપ્રધાન પાસે કોઇ કામ નથી. વિદેશમંત્રાલયની બધી કામગીરી પીએમઓ સંભાળે છે. વિદેશપ્રધાન પાસે કોઇ કામ નથી એટલે તેઓ લોકોને વીઝા ફાળવવાનું કામ કરી રહ્યા છે.'

બીજું શું - શું કહ્યું  રાહુલ ગાંધીએ ?

ડોકલામ : સીમા વિવાદ નથી, એ સંરક્ષણનો અને વ્યૂહાત્મક વિષય છે. ડોકલામમાંથી ભારત અને ચીનનાં સરહદી દળો પાછા ખેંચી લેવાયા પછી પરિસ્થિતિમાં કોઇ સુધારો નથી થયો. હકિકતમાં ચીન આજે પણ ડોકલામમાં હાજર છે.

સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો પ્રગતિ થાય. છેલ્લા ચાર વર્ષમાં ફકત સત્તાનું કેન્દ્રીકરણ થયું છે.

ભારતમાં આતંકવાદી ઘટનાઓ માટે પાકિસ્તાન જવાબદાર છે. પાકિસ્તાન સાથે સંવાદ કે વાટાઘાટો મુશ્કેલ છે. કારણ કે ત્યાંની કોઇપણ સરકારી સંસ્થા પાસે પૂરતા અધિકારો નથી.

કોંગ્રેસ દેશની જનતામાં એકતા માટે પ્રયત્નશીલ છે અને બીજેપી-આરએસએસ નાગરિકોમાં ભેદભાવ અને ધિક્કારની લાગણી ફેલાવે છે. લાંબા-લાંબા ભાષણો આપીને સમાજના એક વર્ગમાં બીજા વર્ગ તરફ તિરસ્કારની લાગણી જગાવવામાં આવે છે. (પ-૬)

રાહુલમાં પરિપકવતાનો અભાવ છેઃ BJP

લંડનનાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કરેલી ભારત સરકારની ટીકાઓના સંદર્ભમાં બીજેપીએ કોંગ્રેસના પ્રમુખને અપરિપકવ અને ક્ષમતાનો અભાવ ધરાવતા નેતા ગણાવ્યા હતાં. બીજેપીના પ્રવકતાએ ગઇકાલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીમાં સહેજ પણ ગંભીરતા કે અભ્યાસુ વૃત્તિ નથી.

(11:50 am IST)