Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

દેશમાં જુન સુધી ૧૦ મહિનામાં ૧.૨ કરોડ લોકોને મળ્યો રોજગાર - CSO રિપોર્ટનો દાવો

સીએસઓએ રોજગાર પરિદ્રશ્ય અંગેનો આ રિપોર્ટ સપ્ટેમ્બર, ૨૦૧૭થી જુન, ૨૦૧૮ સુધીના સમયગાળા પર તૈયાર કર્યો છે

નવી દિલ્હી તા. ૨૫ : દેશમાં જુન મહિના સુધીના ૧૦ મહિનાના ગાળામાં લગભગ ૧.૨ કરોડ રોજગાર અવસરોનું સર્જન થયું છે. કેન્દ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય (સેન્ટ્રલ સ્ટેટસ્ટિકસ ઓફિસ- સીએસઓ)ના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. સીએસઓનો આ રિપોર્ટ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ), કર્મચારી રાજય વીમા યોજના (ઈએસઆઈસી) અને એનપીએસની પાસે આવેલા નવા સભ્યોની નોંધણી પર આધારિત છે.

રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર, ૨૦૧૭થી જુન, ૨૦૧૮ દરમિયાન ઈએસઆઈસીની આરોગ્ય વીમા યોજનામાં નિમણૂક આપતી રાજય વીમા (ઈએસઆઈ) સાથે ૧,૧૯,૬૬,૧૨૬ નવા સભ્ય ઉમેરાયા છે. સૌથી વધુ સભ્યોનું નામાંકન આ વર્ષે મે મહિનામાં ૧૨,૧૮,૩૯૫નું થયું છે. આ જ રીતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)માં ૧,૦૭,૫૪,૩૪૮ નવા સભ્યોની નોંધણી થઈ છે, જયારે ૬૦,૬૦,૬૧૬ સભ્યોની સંખ્યા ઘટી પણ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન સરેરાશ ૬,૧૦,૫૭૩ નવા સભ્યો રાષ્ટ્રીય પેન્શન વીમા યોજના (એનપીએસ) સાથે જોડાયા છે.

સીએસઓએ રોજગાર પરિદૃશ્ય પર આ રિપોર્ટ સપ્ટેમ્બર, ૨૦૧૭થી જુન, ૨૦૧૮ સુધીના આંકડાને આધારે તૈયાર કર્યો છે. આ રિપોર્ટ સરકારી એજન્સીઓ (ઈપીએફઓ, ઈએસઆઈસી અને પીએફઆરડીએ) પાસે ઉપલબ્ધ વહિવટી રેકોર્ડ પર આધારિત છે. સીએસઓએ જણાવ્યું કે, આ રિપોર્ટ સંગઠિત ક્ષેત્રમાં રોજગાર સર્જનનાં વિવિધ પાસાઓની માહિતી આપે છે, પરંતુ તેને વ્યાપક રિપોર્ટ માની શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીએ ઝી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દેશમાં રોજગારના આંકડા આપ્યા હતા. એ સમયે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે લગભગ ૪-૫ લાખ નોકરીઓ પેદા કરી રહ્યા છીએ. આથી એક કરોડ નોકરીઓ પેદા કરવા માટે કદાચ ૨૦ લાખ રોજગાર પેદા કરવા પડશે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ એક વર્ષમાં લગભગ ૭૦ લાખ લોકો ઈપીએફ સાથે જોડાયા છે. અમે મુદ્રા યોજના શરૂ કરી છે. જે કોઈ પોતાનો વ્યવસાય કરવા માગે છે તેને લોન આપવામાં આવે છે.

૧૦ કરોડ લોકોએ મુદ્રા યોજનાનો ફાયદો લીધો છે. આ યોજના અંતર્ગત ૪ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે, તેમાંથી ૩ કરોડ લોકો એવા છે, જેમણે પ્રથમ વખત લોન લીધી છે. શું આ લોકોને રોજગાર મળ્યો છે એવું ન કહી શકાય? આ બાબતે રાજકીય નિવેદનબાજી વધુ થઈ રહી છે. જો કોઈએ નવો ધંધો શરૂ કર્યો છે તો તેને તમે રોજગાર નહીં કહો?(૨૧.૨)

(11:47 am IST)