Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

કોરોના ગયો નથી, ઉજવણીમાં ધ્યાન રાખવું જરૂરી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મન કી બાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું દેશવાસીઓને સંબોધન : ઓલિમ્પિકમાં રમતવીરોને ચિયર કરવા જરૂરી, દેશવાસીઓ કારગિલની રોમાંચિત કરનાર વાતો વાંચે અને કારગિલના વીરોને નમન કરે એવી અપીલ

નવી દિલ્હી, તા.૨૫ : પીએમ મોદીએ ફરી એક વખત પોતાના મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ગયેલા રમતવીરોને ચિયર કરવા જરૂરી છે. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ૨૬ જુલાઈએ કારગિલ વિજય દિવસ પણ છે. કારગિલ યુધ્ધ ભારતીય સેનાના શૌર્ય અને સંયમનુ એવુ પ્રતીક છે જેને પૂરી દુનિયાએ જોયુ છે. જે દેશ માટે તિંરગો ઉઠાવે છે તેના સન્માનમાં આપણી લાગણી ઉભરાય તે સ્વાભાવિક છે. હું ઈચ્છુ છું કે, દેશવાસીઓ કારગિલની રોમાંચિત કરનારી વાતોને વાંચે અને કારગિલના વીરોને નમન કરે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, દેશવાસીઓ દ્વારા મળતા સૂચનો મન કી બાતની અસલી તાકાત છે. તમારા સૂચનો ભારતની વિવિધતા પ્રગટ કરે છે. ભારતવાસીઓના સેવા અને ત્યાગની સુવાસ ચારે તરફ ફેલાય છે અને મોટાભાગના સૂચનો હું જે તે મંત્રાયલને મોકલી આપુ છે. જેથી તેના પર આગળ કામ થઈ શકે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પોતાના માટે તો બધા જીવતા હોય છે પણ બીજા માટે જીવે છે તે સાચા અર્થમાં જીંદગી જીવી જાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાથે સાથે લોકોને અપીલ કરી હતી કે, તહેવારો ઉજવતી વખતે આપણે ધ્યાન રાખવુ પડશે કે કોરોના વાયરસ હજી આપણી વચ્ચેથી ગયો નથી અને માટે કોરોના પ્રોટોકોલનુ પાલન કરવુ બહુ જરૂરી છે.

(7:29 pm IST)