Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના :સાંગલા-છિતકુલ રોડ પર ભૂસ્ખલન બાદ ટેમ્પો ઉપર પથ્થરો પડતા નવ લોકોના મોત

ભૂસ્ખલન થવાના કારણે બટસેરી પુલ પણ ચપેટમાં આવતા આખો પુલ તૂટી પડ્યો

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં આજે રવિવારના દિવસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના સાંગલા-છિતકુલ રોડ પર ભૂસ્ખલન બાદ ચાલતા ટેમ્પો ઉપર પથ્થરો પડ્યા હતા. આ અકસ્માતમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના રવિવારના રોજ બપોરે 1.30 વાગ્યે થઈ છે. સાંગલા-છિતકુલ રોડ પર બટસેરી પાસે એક પથ્થર પડ્યો હતો. જો કે, આ પથ્થર એક ટેમ્પો પર પડ્યો હતા. આ ટેમ્પોમાં 11 લોકો જઈ રહ્યા હતા. જેમાથી 9 લોકોના મોત થયા છે અને બાકીના લોકોને ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભૂસ્ખલન થવાના કારણે બટસેરી પુલ પણ ચપેટમાં આવી ગયો હતો અને આખો પુલ તૂટી પડ્યો છે. ત્યારબાદ ત્યાથી નિકળી રહેલા ઘણા લોકોનો આબાદ બચાવ થયો છે અને આસપાસના મકાનોને પણ ભારે નુકસાન થયું છે. જો કે, આ ઘટનાની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્ત લોકોને બહાર નિકાળવામાં આવી રહ્યા છે.

બીજી તરફ, મહારાષ્ટ્રના રાયગઢ,, રત્નાગિરી અને સતારામાં ભૂસ્ખલનથી 73 લોકોનાં મોત નીપજ્યાં છે. રાયગવના મહાડમાં ભૂસ્ખલનને કારણે 44 લોકોનાં મોત થયાં છે. તે જ સમયે ત્રણ જિલ્લાઓમાં હજી પણ 47 લોકો લાપતા છે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં પૂરથી સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 112 લોકોનાં મોત નીપજ્યાં છે. એનડીઆરએફની 34 ટીમો બચાવ કામગીરીમાં લાગી છે.

(6:35 pm IST)