Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, આંધ્ર, તામિલનાડુ અને બિહારમાં ભયાનક પુરે હાહાકાર મચાવ્યો

મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં અતિભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન જેવી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 138 લોકોનાં મોત: બિહારમાં નદીઓ ગાંડીતૂર બનતાં 11 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઇ

નવી દિલ્હી : દેશના સંખ્યાબંધ રાજ્યોમાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ વિકરાળ બની છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા મહારાષ્ટ્ર્માં છેલ્લા 48 કલાકમાં અતિભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન જેવી વરસાદી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 138 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.

મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન મંત્રી વિજય વાદેત્તીવારે જણાવ્યું હતું કે, વરસાદ અને તેેને સંબંધિત અન્ય દુર્ઘટનાઓના કારમે રાજ્યમાં 138 લોકોનાં મોત નોંધાયાં છે. પૂર અને ભૂસ્ખલનના કારણે હજારો લોકો વિસ્થાપિત થયાં છે. એકલા કોલ્હાપુર જિલ્લામાંથી 40,000 કરતાં વધુ સહિત 90,000 લોકોને સલામત સ્થળોએ ખસેડાયાં છે. રાજ્યના રાયગડ, રત્નાગિરી, પાલઘર, થાણે, સિંધુદુર્ગ, કોલ્હાપુર, સાંગલી અને સતારા જિલ્લા પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. 890 ગામોમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. 200થી વધુ ગામોનો સંપર્ક કપાઇ ચૂક્યો છે. એનડીઆરએફ, નેવી અને સેનાની ટુકડીઓએ 8000 કરતાં વધુ લોકોને રેસ્ક્યૂ ક૪યાં હતાં. મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગોવામાં પણ ભારે વરસાદના કારણે દાયકાઓ બાદ ભીષણ પૂર આવ્યું છે. જેના કારણે કરોડો રૃપિયાની સંપત્તિને નુકસાન થયું છે. ગોવાના સત્તારી, બિચોલિમ, પોંડા, ધારબંદોરા, બાર્દેઝ અને પેરનેમ તાલુકામાં ભીષણ પૂરની સ્થિતિ સર્જાઇ છે અને 1000થી વધુ મકાનોને નુકસાન થયું છે.

ઉત્તર ભારતના બિહારમાં નદીઓ ગાંડીતૂર બનતાં 11 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ગોપાલગંજ, પૂર્વ ચંપારણ, પિૃમ ચંપારણ, સારણ, શિવહર, સીતામઢી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, ખગડિયા અને મધુબની જિલ્લાની 15 લાખની વસતી પૂરથી પ્રભાવિત થઇ છે. અહીં એનડીઆરએફની 7 અને એસડીઆરેફની 9 ટીમ રાહત અને બચાવ કામગીરી માટે તહેનાત કરાઇ છે.

(6:20 pm IST)