Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ભારે વરસાદ અને વિજળી કહેર બની તૂટી પડી : મધ્ય પ્રદેશ-કર્ણાટકમાં 14 લોકોએ ગુમાવ્યો જીવ

મધ્યપ્રદેશમાં વીજળી પડવાના બનાવોમાં પાંચનાં મોત: 18થી વધુ ઈજાગ્રસ્ત થયા

નવી દિલ્હી : દેશભરમાં વરસાદી ઝાપટા પડયા હતા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોમાં વરસાદી ઘટનાઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મધ્યપ્રદેશમાં વીજળી પડવાના બનાવોમાં પાંચનાં મોત થયા હતા. 18થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. કર્ણાટકમાં ભારે વરસાદમાં નવનાં મોત થયા હતા. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક વધીને 112 થયો હતો.

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આકાશી વીજળી પડવાની ગોઝારી ઘટનાઓમાં પાંચનાં મોત થયા હતા અને 18 કરતાં વધુને ઈજા પહોંચી હતી. પન્ના જિલ્લાના ઉરેહા, પિપરિયા, દૌન, સિમરાખુર્દ જેવા ગામડાંઓમાં આકાશી વીજળી ત્રાટકી હતી. એ ઘટનાઓમાં પાંચનો જીવ ગયો હતો અને 18થી વધુ દાઝી ગયા હતા.

બીજી તરફ કર્ણાટકમાં ભારે વરસાદ પડયો હતો. તોફાની પવન સાથે ત્રાટકેલા વરસાદમાં નવ લોકોનાં મૃત્યુ થયા હતા. ત્રણ લાપતા બની ગયા છે. કર્ણાટકના સાગરકાંઠાના વિસ્તારમાં તોફાની પવન અને ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયું હતું.

જમીન ધસી પડવાના બનાવો પણ બન્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં 35 હજાર લોકોનું સ્થળાંતર કરાયું હતું. 22 હજાર લોકોને આશ્રયગૃહોમાં જગ્યા આપવામાં આવી હતી. 300 જેટલાં લોકોને રાહત કેમ્પોમાં શરણું અપાયું હતું.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા પ્રમાણે રાજ્યના 45 તાલુકાના 283 ગામડાં પ્રભાવિત બન્યા હતા અને એ ગામડાંઓમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે વરસાદ, ભૂસ્ખલન જેવી ઘટનાઓના કારણે 2600 મકાનોને નુકસાન થયું હતું.

ઉભા પાકને ભારે નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે 59 હજાર હેક્ટરમાં ઉભો પાક નાશ પામ્યો છે. 555 કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયો છે. 3500 વીજળીના થાંભલા પડી જતાં કેટલાય ગામડાંઓમાં અંધારપટ્ટ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે ભેખડો ધસી પડી છે. એમાં મૃત્યુઆંક વધીને 112 થયો હતો.

રાયગઢ, સતારા, રત્નાગીરીમાં ભારે વરસાદના કારણે આ બનાવો બન્યા છે. 1.40 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. સાગલી જિલ્લામાંથી 78 હજાર અને કોલ્હાપુરમાંથી 40 કરતાં વધુનું સ્થળાંતર કરાવાયું હતું. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સની 34 ટીમ બચાવ કામગીરી કરી રહી છે.

(6:12 pm IST)