Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સોમવારથી દિલ્હીમાં 100 ટકા ક્ષમતા સાથે ચાલશે મેટ્રો અને બસ

સરકારે અનલોક-8ને લઈ ગાઈડલાઈન જાહેર કરી: સિનેમાહોલ અને સ્પા ખોલવાની શરતો સાથે મંજૂરી

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હીમાં 3 મહિનાથી બંધ પડેલા સિનેમાઘરો અને સ્પાને મોટી રાહત મળી છે. સરકારે અનલોક-8ને લઈ ગાઈડલાઈન જાહેર કરી છે જેના કારણે સિનેમાહોલ અને સ્પા ખોલવાની મંજૂરી આપી છે પરંતુ શરતો સાથે.આ સાથે જ બસમાં મુસાફરી કરતા લોકોને પણ રાહત આપી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ 26 જુલાઈ સવારે 5 કલાકથી મેટ્રો અને બસોને 100 ટકા ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. આ સિવાય સિનેમા હોલ, થિએટર અને મલ્ટીપ્લેક્સને 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી છે.

દિલ્હી મેટ્રોમાં ઉભા રહી મુસાફરી કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે. આ સિવાય અંતિમ સંસ્કાર અને લગ્નમાં ગેસ્ટની સંખ્યા 100 રાખવામાં આવી છે. તો શાળા-કોલેજ ખોલવા પર હજુ દિલ્હી સરકાર કોઈ વિચાર કરી રહી નથી. DDMA એ પોતાના નિવેદનમાં કહ્યું કે, હજુ સ્કૂલ શરૂ થશે નહીં અને બાળકોનો ઓનલાઇન અભ્યાસ યથાવત રહેશે. આ રીતે રેસ્ટોરન્ટ અને બારને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,097 નવા કેસ નોંધાયા છે અને 546 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 35,342 નવા મામલા આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,087 લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેકે એક્ટિવ કેસમાં 3464નો વધારો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 23 જુલાઈ સુધી દેશભપમાં 42 કરોડ 78 લાખથી વધુ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 42 લાખ 67 હજાર ડોઝ અપાયા હતા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં 45 કરોડ 45 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.

(11:54 am IST)