Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

પિતાની હત્યા કરવાના શકમંદ આરોપી તરીકે ઇન્ડિયન અમેરિકન યુવાન રાજીવ કુમારસ્વામીની ધરપકડ : પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થતા પુત્રએ ગુસ્સે થઇ ગોળીબાર કરી મોત નિપજાવ્યું : મનુષ્ય વધના આરોપસર બિન જામીન લાયક વોરંટ સાથે યુવાન પોલીસ કસ્ટડીમાં

જ્યોર્જિયા : યુ.એસ.ના જ્યોર્જિયામાં આવેલા ફોર્સીથ કાઉન્ટીમાં રહેતા ઇન્ડિયન અમેરિકન યુવાન 25 વર્ષીય  રાજીવ કુમારસ્વામીની પિતાની હત્યા કરવાના શકમંદ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે.

22 જુલાઈના રોજ બનેલી ઘટના અનુસાર પિતા સદાશિવ કુમારસ્વામી અને પુત્ર રાજીવ કુમારસ્વામી વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઇ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું.  આથી પુત્રએ પિત્તો ગુમાવ્યો હતો. તેથી તેણે  બાજુના રૂમમાં રહેલી રિવોલ્વર લાવી પિતા ઉપર ઉપરાછાપરી ગોળીબાર કર્યો હતો.

ગોળીબારનો અવાજ સાંભળી પરિવારજનો તથા પડોશીઓએ 911 ઉપર ફોન કર્યો હતો.  પિતાનું સ્થળ ઉપર જ મોત થયું હતું. તેથી પિતાની કથિત હત્યા કરવાના આરોપસર મનુષ્ય વધ બદલ યુવાનની બિનજામીન લાયક વોરંટ સાથે ધરપકડ કરવામાં આવી છે. અને તેને પોલીસ કસ્ટડીમાં રાખી દેવામાં આવ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વિશેષ વિગત મેળવાઈ રહી છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:37 pm IST)