Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રૂકે ના કોરોનાઃ રાજકોટમાં વધુ ૬ મોત

ચેતજો...સતત વધી રહેલો મૃત્યુઆંક અને પોઝિટિવ કેસઃ જાગૃત નહિ બનો તો કયારે ઝપટમાં આવી જશો તેની ખબર નહિ પડે : મૃતકોમાં ગોકુલધામ સોસાયટીના વેપારી ક્ષત્રિય કિશોરસિંહ (કેશુભા) જેઠવા (ઉ.વ.૫૬), સદર બજારના દાઉદી વ્હોરા વેપારી જાફરઅલી ભારમલ (ઉ.વ.૫૭) અઠવાડીયાથી અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં: બંનેએ દમ તોડ્યાઃ જ્યારે અન્ય ચાર મૃતકોમાં સંત કબીર રોડ શકિત સોસાયટીના ચમનભાઇ સોલંકી (ઉ.૬૯) મહાનગર પાલિકાના નિવૃત ડ્રાઇવર હતાં: તેમનું અને મંગળા રોડના ગીતાબેન ડાભી (ઉ.૫૦) તથા રાજકોટના હરેભાઇ ગોહેલ (ઉ.વ.૫૭)નું સિવિલમાં તથા મોરબી રોડ ગાયત્રી સોસાયટીના સોમગીરી ગોસાઇ (ઉ.૮૨)નું ખાનગી હોસ્પિટલમાં મોતઃ આ ચારેયના રિપોર્ટ આવવાના બાકી : પાંચેય હતભાગી રાજકોટના : ૭ દિવસમાં ૪૭ મોત

રાજકોટ તા.૨૫: કાળમુખો કોરોના રોજબરોજ લોકોના જીવ લઇ રહ્યો છે. રાજકોટમાં આજે વધુ ૬ દર્દીઓના શ્વાસ રૃંધાઇ ગયા છે. જેમાં સિવિલના કોરોના વોર્ડમાં રાત્રીના બે દર્દીએ તથા સવારે એક દર્દીએ દમ તોડ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં પણ એક દર્દીનું કોવિડની શંકાથી મોત થયું છે. આ ચારેય દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. આ ઉપરાંત પોઝિટિવ રિપોર્ટ ધરાવતાં ગોકુલધામમાં રહેતાં ક્ષત્રિય વેપારી અને સદર બજારમાં રહેતાં દાઉદી વ્હોરા વેપારીએ પણ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. તે સાથે સાત દિવસનો મૃત્યુઆંક ૪૭ થઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ ગોકુલધામ સોસાયટી બ્લોક નં. ૬૯માં રહેતાં અને ગોંડલ રોડ પર ન્યુમેટિક પાર્ટસનો વેપાર કરતાં કિશોરસિંહ (કેશુભા) જીવુભા જેઠવા (ક્ષત્રિય) (ઉ.વ.૫૬)નું કોરોનાને કારણે સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં સવારે મૃત્યુ નિપજ્યું છે. તેઓને ૧૫મીએ બુધવારે તાવ તથા શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. કોરોનાની શંકા હોઇ રિપોર્ટ કરાવાતાં ગુરૂવારે પોઝિટિવ આવ્યો હતો. એ પછી ઓકિસજન પર રખાયા હતાં અને ત્યારબાદ બ્રેનસ્ટ્રોક આવી ગયો હતો. સારવાર દરમિયાન આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. કિશોરસિંહ જેઠવા મુળ પોરબંદર ગોસાના વતની હતાં. વર્ષોથી રાજકોટ સ્થાયી થયા હતાં.

બીજા બનાવમાં સદર બજાર મસ્જીદ નજીક નૂરી પેલેસમાં રહેતાં અને રૈયા રોડ પર જુની આમ્રપાલી સિનેમા પાસે ઇલેકટ્રીકની દૂકાન ધરાવતાં દાઉદી વ્હોરા વેપારી જાફરઅલી મહમદમઅલી ભારમલ (ઉ.વ.૫૭)ને ગયા શનિવારે ઉધરસ થતાં અને નબળાઇ વર્તાતા ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. રવિવારે રિપોર્ટ કરાવવામાં આવતાં કોરોના પોઝિટિવ જાહેર થતાં સઘન સારવાર શરૂ થઇ હતી. પરંતુ આજે વહેલી સવારે તેમણે દમ તોડી દીધો હતો. તેમના ઘરના કોઇ સભ્યોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા નહોતાં. પરિવારજનોના કહેવા મુજબ જાફરઅલી દૂકાનેથી ઘરે આવ જા કરતાં હતાં. એ સિવાય કયાંય ગયા નહોતાં. કોરોના કયાંથી કેવી રીતે લાગુ પડ્યો તેની ખબર પડી નહોતી. અન્ય ત્રણ બનાવમાં સંત કબીર રોડ પર સરદાર સ્કૂલ પાછળ શકિત સોસાયટી-૧૩માં રહેતાં ચમનભાઇ નારણભાઇ સોલંકી (ઉ.૬૯)ની બે દિવસથી તબિયત બગડી હોઇ અને તેમને ફેફસા, કિડનીની પણ તકલીફ હોઇ ગઇકાલે સાંજે વધુ તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમને કોરોના વોર્ડમાં દાખલ કરાયા હતાં.  તેમને કોરોના હોવાની શંકાથી સેમ્પલ લેવામા આવ્યા હતાં. આજે સાંજે તેમનો રિપોર્ટ આવે એ પહેલા વહેલી સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર ચમનભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેઓ મહાનગર પાલિકાના નિવૃત ડ્રાઇવર હતાં.

બીજા બનાવમાં મંગળા રોડ પર રહેતાં ગીતાબેન બાબુભાઇ ડાભી (ઉ.૫૦)ને પણ કોરોનાની શંકાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમનો ીરપોર્ટ પણ આવવાનો બાકી છે. આ ઉપરાંત રાજકોટના હરેશભાઇ નારણભાઇ ગોહેલ (ઉ.વ.૫૭)નું પણ સવારે સિવિલના કોવિડ સેન્ટરમાં મોત નિપજ્યું છે. તેમનો રિપોર્ટ પણ આવવાનો બાકી છે.

જ્યારે એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મોરબી રોડ પર ગાયત્રી સોસાયટીમાં રહેતાં સોમગીરી કાનગીરી ગોસ્વામી (ઉ.૮૨)ને કોરોનાની શંકાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનો રિપોર્ટ આવે એ પહેલા મોત નિપજ્યું હતું. આ ચારેય મૃતકો તથા પોઝિટિવ જાહેર થયેલા બે મળી છએયના મૃતદેહોને અંતિમવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવ્યા હતાં. ગયા રવિવારથી આજ સુધીનો સાત દિવસનો મૃત્યુઆંક ૪૭ થયો છે.

(3:34 pm IST)