Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઉધ્‍ધવ સરકારનું ભાવિ હવે વિધાનસભાના ઉપાધ્‍યક્ષના હાથમાં: શું નિર્ણય લેશે ? ભારે ઉત્‍સુકતા

જો શિંદેના જુથને માન્‍યતા આપશે તો અઘાડી સરકાર ઇતીહાસ બની જશે

નવી દિલ્‍હી, તા.૨૫: મહારાષ્‍ટ્રમાં ચાલી રહેલ સત્તાના મહાસંગ્રામ વચ્‍ચે હવે બધાની નજર વિધાનસભા ઉપાધ્‍યક્ષ નરહરિ ઝિરવાલના ભાવી વલણ પર છે. ખરેખર તો આ આખા વિવાદનું નિરાકરણ તેમણે જ લાવવાનું છે. ઝિરવાલે જો એકનાથ શિંદેને આગેવાની વાળા બળવાખોર ધારાસભ્‍યોના જૂથને અલગ જૂથ તરીકે માન્‍યતા આપી તો રાજયની મહાવિકાસ અઘાડી સરકાર ભૂતકાળ બની જશે.

મુખ્‍યપ્રધાન ઠાકરે માટે પણ પોતાનો પણ બચાવવો મુશ્‍કેલ બની જશે. આનાથી ઉલટુ જો ઝિરવાલે બળવાખોર ધારાસભ્‍યોના જૂથને દર વખતે આવી મુશ્‍કેલી નિવારવાની જવાબદારી વિધાનસભા અધ્‍યક્ષની જગ્‍યાએ ઉપાધ્‍યક્ષની ભૂમિકા સર્વોપરી બનશે. આમ એટલા માટે બન્‍યુ છે કે નાના પટોળે કોંગ્રેસ અધ્‍યક્ષ બન્‍યા પછી તેમણે અધ્‍યક્ષ પદેથી રાજીનામું આપ્‍યા પછી ઝિરવાલ જ સદનના સંચાલનની જવાબદારી સંભાળે છે.

વિધાનસભા ઉપાધ્‍યક્ષ સૌ પહેલા એ નક્કી કરશે કે બળવાખોર જૂથને અલગ જૂથ તરીકે માન્‍યતા આપવી કે ઉધ્‍ધવની માંગણી મુજબ કેટલાક ધારાસભ્‍યો પર કાર્યવાહી કરીને ચૌધરીને સદનના નેતા જાહેર કરવા. પહેલી પરિસ્‍થિતીમાં બળવાખોર ધારાસભ્‍યોને અલગ જૂથના રૂપમાં માન્‍યતા મળતા જ ઉધ્‍ધવ સરકાર લઘુમતિમાં આવી જશે. અને જો કેટલાક ધારાસભ્‍યો સામે કાર્યવાહી કરશે તો બળવાખોર જૂથ આની સામે કોર્ટમાં જઇ શકે છે.

શિંદે જૂથે ઉપાધ્‍યક્ષને પત્ર લખીને ૩૭ ધારાસભ્‍યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. આ સંખ્‍યા શિવસેનાના કુલ ૫૫ ધારાસભ્‍યોના બે તૃત્‍યાંશ છે. આ જૂથે શિંદેને પોતાના નેતા ગણાવીને ભરત ગોગોવલેને મુખ્‍ય સચેતક તરીકે માન્‍યતા આપવાની માંગણી કરી છે. ઠાકરેએ પત્ર લખીને ૧૮ બળવાખોર ધારાસભ્‍યો વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાીન સાથે અજય ચૌધરીને સદનના નેતા બનાવવાની માંગણી કરી છે.

બીજી સ્‍થિતીમાં ભાજપા અથવા બળવાખોર જૂથ રાજયપાલ પાસે જઇને તેમને ઉધ્‍ધવ સરકારને બહુમતિ સાબિત કરવાનો આદેશ આપવાની માંગણી કરી શકે છે અથવા તો વિધાસભામાં ભાજપા અથવા વિરોધી જૂથ સરકાર વિરૂધ્‍ધ અવિશ્‍વાસ પ્રસ્‍તાવ રજૂ કરી શકે છે.

આ રાજકીય ધમસાણ વચ્‍ચે એક ઓડીયો કલીપ વાયરલ થઇ છે જેમાં રાજયમાં બહુ જલ્‍દી ભાજપા સરકાર બનવાનો દાવો કરાયો છે. કલીપમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્‍ય શહાજીબાપૂ પાટીલ અને એક કાર્યકર વચ્‍ચે વાતચીત હોવોનો દાવો કરાયો છે. કલીપમાં પાટીલ કહી રહ્યા છે કે બધુ નક્કી થઇ ગયુ છે. દેવેન્‍દ્ર ફડણવીસ મુખ્‍યપ્રધાન અને એકનાથ શિંદે નાયબ મુખ્‍ય પ્રધાન બનશે. અમે આ લડાઇ લગભગ જીતી લીધી છે. અમારી સાથે ૭ પ્રધાનો સહિત કુલ ૪૦ ધારાસભ્‍યો છે.

(12:04 pm IST)